અન્યથી જે માનવી પર ના બને,
એનું દિલ ક્યારેય સમંદર ના બને.
જાતમાં વિશ્વાસ રાખે જે અહીં,
એ કદી જીવનમાં કાયર ના બને.
જિંદગીનો સાર સૌ જાણ્યા પછી,
વ્યર્થ ઈચ્છાનો એ ચાકર ના બને.
પ્રેમ દીવો જેની ભીતર ના બળે,
એ કદી જગનો સિકંદર ના બને.
માન આપે નહિ જે નારીને સદા,
એ તો નર હોવા છતાં નર ના બને.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)