.....( ભાગ ૩ -> કારણ શરીર...)...
कारणशरीरं किम् ?
अनिर्वाच्यानाद्यविद्या रूपं
शरीरद्वयस्य कारणमात्रं सत्स्व-रूपाऽज्ञानं
निर्विकल्पकरूपं यदस्ति तत्कारणशरीरम् ।
કારણશરીરં કિમ્ ?
અનિર્વાચ્યાનાદ્યવિદ્યા રૂપં
શરીરદ્વયસ્ય કારણમાત્રં સત્સ્વ-રૂપાઽજ્ઞાનં
નિર્વિકલ્પકરૂપં યદસ્તિ તત્કારણશરીરમ્ ।
[ભાવાર્થ]
કારણ શરીર શું છે?
જે અનિર્વાચ્ય, અનાદિ, અવિદ્યારૂપ, બે શરીરોનું કારણ માત્ર, સત્સ્વરૂપનું અજ્ઞાન અને વિર્વિકલ્પક રૂપ છે તેને કારન શરીર કહે છે.
[વ્યાખ્યા]
ત્રણ શરીર છે - સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. કારણ શરીર સૂક્ષમ અને સ્થૂલ શરીરોનું કારણ છે, તેથી તેને કારણ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂલ શરીર એના કાર્ય છે. કારણથી ઉત્પન્ન કાર્ય નષ્ટ થવા પર તે કારણમાં જ લીન થઈ જાય છે. જેવી રીતે માટી રૂપ કારણથી ઘડા રૂપી કાર્ય ઉત્પન્ન થયું અને એ ઘડો નષ્ટ થવા પર તે માટીમાં જ લીન થઈ જાય છે. બધા લોકોના કારણ શરીર એક સમાન નથી, તેથી બધાની બુદ્ધિ એક સમાન નથી. સ્ત્રી, પુરુષ, કીટ-પંતંગિયા અને પશુ-પક્ષિઓના નાનારૂપ (જૂદા-જૂદા રૂપ) શરીરોનો હેતુ કારણ શરીર જ છે. તેથી 'शरीरद्वयस्य कारणमात्रं' કહેવામાં આવ્યું છે.
'अविद्यारूपं' - કારણ શરીર અવિદ્યારૂપ છે. અવિદ્યાનો અર્થ છે 'सत्स्वरूप अज्ञानं'. આપણું સત્સ્વરૂપ આત્મા છે - આ અનુભવ ન હોવો એજ અજ્ઞાન છે જેને અવિદ્યા કહેવાય છે. આત્મા તો અનાદિ-અનંત અને નિત્ય છે પરંતુ અવિદ્યા આ કોટિની નથી. અવિદ્યા અનાદિ તો છે પરંતુ અનંત નથી. વિદ્યાના પ્રકાશથી અવિદ્યા નષ્ટ થઈ જાય છે. અનિર્વાચ્ય એ વસ્તુને કહેવાય છે જે ત્રણેય કાળોમાં સત્ છે અને આકાશ-કુસુમની સમાન અસત્ નથી. આવી અસત્ વસ્તુને મિથ્યા પણ કહેવાય છે.
ગહન નિદ્રામાં આપણું-પારકું કઈ પણ જ્ઞાત નથી રહેતું. આજ અવિદ્યા છે. આ સ્થિતિમાં કોઈ દ્વૈતનું (અન્યનું) બોધ ન હોવાને કારણે તેને 'निर्विकल्पक' કહેવામાં આવ્યું છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં નાનાત્વ અર્થાત્ વિકલ્પ જેવા મળે છે. આને અધિક સ્પષ્ટ રૂપમાં સમજવા માટે ત્રણ અવસ્થાઓનો વિચાર કરવો જોઇએ. આનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે.