મીટ માંડીને બેઠા કૃષિકાર, ક્યારે આવે મોસમ વરસાદની.?
એને હૈયે હો ચિંતા અપાર, ક્યારે આવે મોસમ વરસાદની.?
જળરાશિ થૈ સઘળે સૂની, ' ત્રાહિમામ' વહેતી' લૂ ' ઊની.
જળ એ જ જીવન આધાર, ક્યારે આવે મોસમ વરસાદની.?
સૂકાં ભઠ તરુવર પોકારે, નથી હરિયાળી વનરાજી આકારે.
મયૂર કરી રહ્યા છે ટહૂકાર, ક્યારે આવે મોસમ વરસાદની.?
ક્યારે વાદળ વરસે અનરાધાર, ક્યારે નદી સરોવરે ઊભાર?
આભે ગાજવીજ પારાવાર, કયારે આવે મોસમ વરસાદની?
ક્યારે વહેશે ખળખળ વારિ, હરખે અબાલ, વૃદ્ધ, નરનારી.
દેવ પર્જન્ય લૈ મેઘ સવારી, ક્યારે આવે મોસમ વરસાદની
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '