ઈદ આવે અને મને મારાં બાપુજી યાદ આવે. બાપુજી ઉપર ઘણું લખ્યું છે. તો પણ આંખ બંધ કરું અને ભીતર સ્મરણના બારણાં ખુલી જાય છે. સ્મરણના કૂવામાંથી ચાહે ગમે એટલી યાદોને સીંચું – પણ આબે-ઝમઝમના કુવામાં જેમ જળ નથી ખૂટતું – એમ બાપુજીની યાદના કૂવામાંથી કદી યાદોં નથી ખૂટતી. ખાસ તો પવિત્ર રમજાન મહિનો આવે એટલે બાપુજી ખાસ યાદ આવે. મારાં બાપુજી પવિત્ર રમજાન-માસને તેડવા જતાં અને પછી મૂકવા પણ જતાં. એટલે કે રમજાન આવવાને એક મહિનાથી વાર હોય ત્યારથી રોજા રાખવાનું શરુ કરતાં, પછી આખો રમજાન રોજા રાખતાં – પછી ઈદના એક દિવસની ઉજવણી કરીને ફરીથી એક મહિના માટે રોજા રાખતાં. બાપુજી ચુસ્ત અને પાબંધ મઝહબી વ્યક્તિ હતાં. પણ બાપુજી રૂઢીચુસ્ત અને દુરાગ્રહી નહોતા. બાપુજીએ ઇસ્લામ, કુરાન અને એનાં અરકાનોને જીવનમાં ઉતારેલાં હતાં. પણ સાથે-સાથે બાપુજી એવું પણ માનતા કે, ભીતરનું અજવાળું દરેકને પોતપોતાનું હોય છે. સ્થૂળ રીતે જેમ દીવાની એક જ્યોત બીજી જ્યોતને જલાવી શકે એવું મઝહબ ને ઈમાનથી બાબતમાં બનતું નથી. ઈમાનની બાબતમાં સૌએ પોતપોતાની ભીતર પોતાના કોડિયાં, પોતાનું ઘી અને પોતાની વાટ રચીને પછી ઈમાનની જ્યોત જલાવવાની હોય છે. એટલે જ તો અમને વારસામાં એક પવિત્ર કુરાન સાથે એક હજાર પુસ્તકો પણ મળ્યાં છે. એટલે તો વારસામાં અમને જૈન યતિ શ્રી જૈન મુનિઓ, શિવમહિમ્નના ગાન કરતાં પુજારીઓ, હવેલીમાં સેવા કરતાં વૈષ્ણવો અને ચર્ચમાં ગિટાર બજાવતાં મિત્રો મળ્યાં છે. મઝહબને એકદમ અંદરની ને અંગતની રંગત અને સંગત તરીકે જોવાની દૃષ્ટિ સાંપડી છે. ઇદના આ પર્વ નિમિત્તે જન્નતનશીન બાપુજીના ભીનાં આંખના સંભારણા સાથે સૌને મારાં ઈદ-મુબારક. આ સાથે વાંચો બાપુજીને મારી એક કવિતામાં.
-ઈલિયાસ
● બાપૂજી ● ઇલિયાસ શેખ
સીધી લીટીનું એકધારું,
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.
આરામ ખુરશીમાં બેઠા-બેઠા જ
એ પગ લંબાવી શકે અતળ પાતાળમાં,
'ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં,
એટલાં સમૃદ્ધ થયાં છે.
હમણાં જ કપાવેલાં
રેશમી - સફેદ વાળ,
ચમકી ઉઠ્યા છે સવારનાં તડકામાં.
કાળજીપૂર્વક માવજત પામેલ બાલ-દાઢીમાં
બાપુજીનો ચહેરો ખીલી ઉઠે છે
તાજી મહેંદીના રંગ સમો.
રાતી - તપખીરી
ઇસ્લામી દાઢીને પસવારતાં બાપૂજી,
હવે મથતાં નથી,
ગીતા-કુરાન પરનાં ભાષ્યોને ઉકેલવાં.
આઠ-આઠ દાયકાઓથી પ્રત્યેક શ્વાસે,
લીધા - છોડ્યા કરી છે,
લોબાન - ગુગળની જુગલગંધને.
ફેફસા
છલોછલ ભરીને,
હોજરી
હોજરી ખાલીખમ્મ કરીને,
બાપૂજી પ્રબુદ્ધ થયાં છે.
બાપૂજીની ઘેરી
લીલી ઝાંયવાળી આંખ,
તાક્યા કરે છે ટગર-ટગર
અમારાં અજાણ્યા ચહેરાઓ.
ગંગાજળથી વજૂ કરીને
બાપૂજી પરિશુદ્ધ થયાં છે.
બાંગ: મુલ્લાની હો કે કુકડાની
નાદ: ઝાલરનો હો કે નોબતનો.
બાપૂજીને કોઇ ફરક પડતો નથી.
એમની ચેતનાનો ચેતસ
ઓળંગી ગયો છે હવે,
મંદિરની ધજાઓ, મસ્જીદનાં મિનારાઓ.
વિસ્મરણ.
યોગ છે કે રોગ ?
શાપ છે કે વરદાન ?
એ જે હોય તે.
વિના ગૃહત્યાગ કે પરાક્રમ,
વિના ભ્રમણ કે અતિક્રમણ,
સહજ આદરે
મહાભિનિષ્ક્રમણ.
એક ઇંચ પણ ખસ્યા વગર,
બાપૂજી બુદ્ધ થયાં છે.
સીધી લીટીનું એકધારું
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.
●●●