આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો અત્યારના માણસને ઓળખવો ખુબ જ મુશ્કેલ છે. કયો માણસ કરોડપતિ અને કોણ રોડપતિ છે એ સમજવું ક્યારેક ખુબ જ મુશ્કેલ બની જાય છે. કારણકે અત્યારના સમયમાં એવા પણ ઘણા લોકો હશે જે કરોડપતિ હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવતા હશે. આવી જ એક સત્ય ઘટના વિશે અમે તમને જણાવીશુ
મારી એક ટ્રેનની મુસાફરી દરમ્યાન સુરત સ્ટેશનથી એક સમોસા વાળો બાસ્કેટ સાથે ટ્રેનમાં બેઠો. તેના બાસ્કેટ માં હવે ૨/૩ સમોસા જ બચ્યા હતાં. ટાઇમપાસ માટે મે તેની પાસે થી એક સમોસુ લીધું અને ત્યારબાદ બીજા લોકોએ પણ સમોસા લીધા જેના લીધે તેના વધેલા બીજા સમોસા પણ મારા ડબ્બા જ વેચાઈ ગયાં. થોડું જાણવાની ઈચ્છા થઈ એટલે મેં તેને પૂછ્યું, “એક સમોસા પર તને કેટલા મળે ?” તેણે કહ્યું, “૭૫ પૈસા” મે આગળ વાત વધારતા પૂછ્યું, “દરરોજના કેટલા સમોસા વેચાય?” તેણે કહ્યું, “અઢી થી ત્રણ હજાર જેટલા વેચાય”.
તેનો આ જવાબ સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ અને હું કંઈપણ બોલ્યાં વગર તેની સામે જોતો રહી ગયો. કારણકે જો રોજના ૭૫ પૈસા લેખે ૩ હજાર સમોસા આ એક સામાન્ય માણસ વેચે છે તો મહિને તેની આવક ૬૦૦૦૦ ઉપર થઈ. હવે મારે ટાઇમપાસ માટે નહિ પરંતુ નવું જાણવા માટે મે આગળ વાત વધારતા પૂછ્યું, સમોસા તમે જ બનાવો છો ? સમોસા વાળાએ કહ્યું, ના અમે આ સમોસા તૈયાર જ લઈએ છીએ, ત્યારબાદ આ સમોસા વહેંચીને બધા જ પૈસા માલિકને આપી દઈએ. ત્યારબાદ માલિક અમને સમોસા ની ગણતરી કરીને કમિશન આપે છે.
મે કહ્યુ, તમે તો મારા કરતા પણ વધારે કમાઈ લો છો. સમોસા વાળાએ વાત આગળ વધારતા કહ્યું, આ સિવાય પણ હું બીજો ધંધો કરું છું, મે પૂછ્યું, બીજો શું ધંધો કરો છો ?, તેણે કહ્યું, જમીન લે વેચ નું પણ કરું છું, તેણે આગળ વાત વધારતા કહ્યું, મે ૨૦૦૭ માં વડોદરા માં જ ૧.૫ એકર જમીન ૧૦ લાખમાં લીધી હતી અને હમણાં જ તેને ૫૦ લાખમાં વેચી છે. ત્યારબાદ તેણે બીજી એક જગ્યાએ ૨૦ લાખમાં એક જમીન ખરીદી છે. મે પૂછ્યું, બીજા ૩૦ લાખ વધ્યાં તેનું શું કર્યું ? તેણે કહ્યું, વધેલા બાકીના ૩૦ લાખ મે મારી દીકરી ના લગ્ન માટે બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂક્યા છે.
તેનો જવાબ સાંભળીને મે પૂછ્યું, તમે કેટલું ભણેલા છો ?, તેણે કહ્યું, હું ૫ ધોરણ સુધી જ ભણેલો છું, પરંતુ મને લખતા વાંચતા બધું આવડે છે. તેણે વાત વધારે આગળ વધારતા કહ્યું, તમારા જેવા ઘણા માણસો સારા કપડા, બુટ પહેરીને, સ્પ્રે છાંટીને, એસી વાળી ઑફિસમાં બેસીને પણ અમારી જેવા ખરાબ કપડા પહેરતા અને સમોસા વેચતા માણસો જેટલી કમાઈ નહિ કરી શકતા હોય. તેના આ જવાબ સામે હું કશું બોલી શક્યો નહિ, કારણકે તેની વાત પણ સાચી હતી અને હું એક લખપતિ સાથે વાત કરતો હતો.
હું આગળ કંઇ પૂછું એ પહેલાં તેનું સ્ટેશન આવી ગયું હોવાથી તે ઉભો થઇ ગયો અને મને કહ્યું, ચાલો સાહેબ મારું સ્ટેશન આવી ગયું, તમારો તમારી આગળની યાત્રા મંગલમય રહે તેવી આશા સાથે આવજો. હું તેને એટલું જ કહી શક્યો, આવજો. કેમ કે તેને બીજું શું જવાબ આપવો તે હજુ હું વિચારી રહ્યો હતો. એટલે જ કહેવામાં આવે છે કે કોઈ દિવસ સામાન્ય દેખાતા માણસને નાનો ના ગણવો.