રોજિંદી ઘટ માળ માં કંઇક જુદેરું કરું
કોક દિવસો રોજ થી થોડાં નવીન કરું !
... ચાલ, વેકેશન કરું !
બંધિયાર જીમ માં નથી ગાળવી કસરત ની સવાર
નિસર્ગ ના સંસર્ગ માં ચાલવાનો નિર્મળ આનંદ લઉં !
...ચાલ, વેકેશન કરું !
રોજ નાસ્તા ને ટિફિન બનાવવાની ઝંઝટ છોડુ
કોક દિવસ વટ થી બધી ટંક રેસ્ટોરાં માં ખાઉં !
...ચાલ, વેકેશન કરું !
રોજ છોકરાં ને સ્કૂટર પર નિશાળે ને ટ્યુશન મૂકવા જઉં
કોક દિવસ હું પણ કાર માં વર ને ડ્રાઇવર જ ગણું !
...ચાલ, વેકેશન કરું !
રોજ લોકો ને સાચવવામાં નથી મળતી ખુદ માટે ફુરસદ
કોક દિવસ હું જાત ને સમય આપુ, ખુદ ને પામું !
...ચાલ, વેકેશન કરું !
રોજ તો એક જ લોહી ઉકાળા, ટેન્શનનો અંગારવાયુ ફેંકું
કોક દિવસ બહારગામ આંટો મારું, છ મહિના નો પ્રાણવાયુ ભરું !
...ચાલ વેકેશન કરું !