જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.
આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !
કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !
મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !
હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘જિંદગી’ની મથામણ છે.