નવા_દુઃખો૭#સીઝન૨
હું, વાઘ ને મૂવી
દુઃખો હવે મને કોઠે પડી જવા લાગ્યા છે. એ વિષય માં હું એક્સપર્ટ થતી જાઉ છું. કોક ટ્રેનિંગ સેંટર ખોલી લોકોને કોચિંગ આપી શકું. લાવ હવે ભાડા ની કોક જગ્યા શોધી કાઢું. ફરી રસ્તા પર એ માટે નીકળી છું.
ત્યાં વાઘ દેખાયો( રાબેતા મુજબ ) મેં પૂછ્યું કે હવે શું કરવું છે ? તો કહે મને પિક્ચર જોવું છે. મેં મલ્ટિપ્લેક્સ જોયું જ નથી. મને સ્ટુડન્ટ ઓફ ધ યર જોવા લઈ જાવ.
લે, આને કેવા કેવા ધખારા ઉપડે છે ! હશે, ચાલ..જેવા અમે મલ્ટિપ્લેક્સ માં પહોચ્યા , લોકો આશ્ચર્ય ને કૌતુક થી અમને જોવા માંડ્યા. નાના છોકરાં ગેલમાં આવી ને એની પર સવાર થવા લાગ્યા. ઘૂરકીયું કરી ને એણે કહી દીધું કે , બધા દૂર જાવ નહીં તો આ બેન ની કવિતાઓ સંભળાવીશ. લોકો એક જ સેકંડ માં ગાયબ !
૧૦-૧૨ પોપ કોર્ન લઈ ને અમે મૂવીમાં બેઠાં. વાઘ ને કેટલું જોઈએ મને શું ખબર પડે!! જેવું મૂવી ચાલુ થયું, થોડી જ વાર માં એણે રાડ્યું નાખવા માંડી. એની ગર્જનાઓ થી હું ય ડરી ગઈ. મને લાગ્યું કે બધા લોકો બી ને જતાં રહશે પણ આજુ બાજુ જોયું તો આખું થિયેટર ખાલી જ થઈ ગયેલું. મને કહે કે આ શું છે?? મને તો આ સોટી ( soty) ચમચમ વાગી ગઈ. આવું હોય ? મારા મન થી કે તને જંગલ ના ટાઇગર ને શહેર નો ટાઇગર જોવો હતો તો હું શું કરું ?
ખેર, બે પગ થી પોતાનું માથું દબાવતો, બાકી ના બે પગે ધીમી ચાલે, વીલા મોં અે, દુઃખી થઈ ને એ બહાર આવ્યો. ત્યાં રસ્તા માં કોક ગાયે શિંગડું મારી એને ઉછાળ્યો ને અે ચટ્ટો પાટ ! ઊભો જ ના થઇ શક્યો.
દુઃખ એનું છે કે મારી પાસે બેન્ડ એડ હતી જ નહીં.. એને પટ્ટી માર્યા વગર રસ્તે છોડી ને આઇ ગઈ.અને બીજું કે આય હાય,એને પોપકોર્ન જોડે કૉક પીવડાવવાની જ રહી ગઈ !!