જ્યાં લાગણીને ઠોકર મળે સંવેદના સળવળે.
તમારામાં મારું આવીને ભળે સંવેદના સળવળે.
જરુરિયાત માનવીની અન્ન,વસ્ત્ર આવાસ જ?
એથી અધિક પામવા ટળવળે સંવેદના સળવળે.
આવશ્યકતા મનની ચાહવું ને કોઈ મને પણ ચાહે,
જો કોઈ મનની મૂંઝવણ કળે સંવેદના સળવળે.
અદ્શ્ય પ્રવાહ વહે છે પારસ્પરિક સંવેદના તણો,
ક્વચિત્ અહંથી કો' ખળભળે સંવેદના સળવળે.
ન અન્ન કે કેવળ પ્રાણવાયુ માત્ર પૂરતો જીવવાને,
હેતથી કોઈ કોઈને લગાડે ગળે સંવેદના સળવળે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '