● મોરલાનું ગીત ●
પાદરના પીપળે બેઠયો છે મોરલો,
વાટયો જુએ છે રાધા રાણી
કે, મોરલાની વાત અમે જાણી.
ટહુંકા કરીને એતો બોલાવે મેઘને,
વાદળને લાવે છે તાણી
કે,મોરલાની વાત અમે જાણી...
સંધ્યાએ ઓઢયો છે કેસરિયો રંગ ને,
રાતા તે રંગનું પાણી
કે, મોરલાની વાત અમે જાણી...
આકાશે ઊઠેછે ઝાલરના નાદ ને,
કેવી મીઠી છે એની વાણી
કે,મોરલાની વાત અમે જાણી...
મનમાં ને મનમાં એ મુંજાતો મોરલો,
ઢેલડ કરે છે કેવી લ્હાણી
કે, મોરલાની વાત અમે જાણી...
ભીંજેલી ધરતીની અષાઢી સાંજને,
મોરલાએ મન ભરી માણી
કે, મોરલાની વાત અમે જાણી...
પાદરના પીપળે બેઠયો છે મોરલો,
વાટયો જુએ છે રાધા રાણી
કે, મોરલાની વાત અમે જાણી...
© વિજય ત્રિવેદી.