રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે;
માને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે ?
કોણ જાણે કેવી માટીનો બનેલો દેહ છે,
દર્દ આપ્યાં કેટલાયે તોય માં હરખાય છે.
એક અક્ષર પણ ન જાણે ક્યાં ભણી છે સ્કૂલમાં,
તો ય મારા મુખ ઉપરના શબ્દ વાંચી જાય છે.
એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દિવસ,
કોણ જાણે તોય એનો થાક ક્યાં ઠલવાય છે.
વાતેવાતે હું કસમ ખાતો રહ્યો માની બધે,
ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરાની ખાય છે ?
આ જ માની છે હયાતી ઇશ તારા ધામમાં,
ત્યાં તને ઝળહળ થશે, તુલસી અહીં સૂકાય છે.
સૂર્યને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,
તું કહી દે આ જગતમાં માનો કોઈ પર્યાય છે ?
-વિપુલ માંગરેલિયા ‘વેદાંત’
“માતાનો ઋણસ્વીકાર...”
ઘરમાં પ્રત્યેકનો જન્મદિવસ આવે છે... અને ઘરનાં પ્રત્યેકમાં પોતાનો જન્મદિવસ ઊજવી નાંખે છે તે ‘મા’ છે... ‘મા’ એ છે જેના માટે પોતાનો દીકરો ક્યારેય મોટો થતો જ નથી. એની આંખોમાં પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવાતો હોય છે... કેટલાયે દર્દ આપ્યાં છતાં યે હરખતે હૈયે જિંદગીને જીવવી એવી ફિલ્સુફી એની પાસે કશે જ ભણ્યા વગર જીવતી રહી છે... એની અક્ષર ન વાંચવાની આદત દીકરાનાં મુખ ઉપરનાં ભાવ કેવી રીતે વાંચી શકે છે...? આ વિસ્મય જગતમાં જીવતી દરેક માનું છે વળી, આવું વિસ્મય દરેક માનાં ચહેરા ઉપર એકસરખી રીતે અકબંધ છે. આપણી ઊંઘ માટે પોતે ઉજાગરા વેઠીને જાગરણ કરે છે... ક્યાં ઠલવાતો હશે એનો થાક ? આપણે વાતવાતમાં આપણી માતાનાં સોગંદ ખાતાં હોઈએ છીએ અને માતા પોતે સાચી હોય તો ય ભાગ્યે જ પોતાના બાળકોનાં સોગંદ ખાતી હશે...! એનું અસ્તિત્વ જ્યારે એ નથી હોતી ત્યારે સ્વર્ગમાં સાક્ષર થશે અને અહીં આંગણામાં સૂકાઈ ગયેલી તુલસીનો ભાવ હશે. મા એટ્લે સૂર્યને પોતાનાં પાલવથી ઢાંકીને આપણને ચંદ્ર જેવા શીતળ કરે...
જીવનનાં હકારની આ કવિતા માતાનાં ઋણસ્વીકારની કવિતા છે... જીવાતી જિંદગીમાં આપણે ક્યારેક અજાણ્યા માણસોને ભેટી લઈએ છીએ, એમનાં વખાણ કરી લઈએ છીએ પરંતુ આપણી સામે જ હોય છતાં જેને જોયા-ન જોયાનું થઈ જાય છે એવી વ્યક્તિમાં એક વ્યક્તિ ‘માતા’ પણ છે...
વિપુલ માંગરોલિયા –‘વેદાંત’ની આ ગઝલ ક્ષિતિજ પર ઝાકળથી ઝળહળ છે... ગઝલસાધના ગ્રુપ દ્વારા અને ગુજરાતી ગઝલનાં નોંધપાત્ર નામોમાં નવી ચેતનાનો ગઝલસ્પર્શ સાંપડ્યો એમાં એમનો અનોખો મુકામ છે... માતા ઉપરની ગઝલની આ વાત એમનાં જ માતા ઉપરનાં શે’રથી પૂરી કરું છું...
“કારણ વગરની વાતનું એકાદ કારણ પણ હશે,
માનવ બન્યો ઇશ તો કરજમાં માનું ધાવણ પણ હશે...”
-અંકિત ત્રિવેદી