#kavyotsav
બસ મન થયું !
- જૈમીન ધામેચા
આજ
સાવ એટલે સાવ
અમસ્તું જ,
અતીતના કોરા સમંદરમાં ડૂબકી મારવાનું
બસ મન થયું !
મમ્મી પાસે રડારોળ કરીને પહોંચેલા
બાલમંદિરના
એ
નાનકડા ઓરડામાં એકડો ઘુંટવાનું
બસ મન થયું !
નવી સાયકલ
શીખતાંવેંત જ એક કેરિયરમાં
પાછળ બબ્બે દોસ્તારોને બેસાડીને,
ચક્કર મરાવવાનું
બસ મન થયું !
આંસુ, થાક ને હતાશાનો
પડછાયો પણ
પહોંચી ન શકે માના જે ખોળામાં,
બે ઘડી માથું મુકવાનું
બસ મન થયું !
ચાહી'તી જેને
લાગણીઓ નિચોવીને કોઈ છાને ખૂણે
બસ એ મીઠી યાદોને
એક આંખ મીંચકારવાનું
બસ મન થયું !
હતાં કેટલાંક મુકામો મારાં સફરમાં
પહોંચવું'તું મારેય જ્યાં,
બસ એને ઊભીને
આજે દૂરથી જ જોઈ રહેવાનું
બસ મન થયું !
ઉફ્ફ !!
નથી જ મળવાની
જે પળો જિંદગીમાં
તારી સાથે જે મેં જોઈ'તી 'સ્વપ્ન'માં
એ ફરી
થોડીવાર જીવીને હરખાવાનું
બસ મન થયું !