જે પક્ષીની ચાંચમાંથી મધુર ટહુકા સાંભળવા મળે,તે જ પક્ષીની ચાંચ વચ્ચે ક્યારેક મોતની અંતિમ ચીસ પણ સાંભળવા મળે.કુમળા પતંગિયાના જીવનચક્રમાં ક્યારેક પરપોટાનો પીંડ બંધાતો હોય છે.સકળ સૃષ્ટિમાં ઘરડાં પતંગિયાની કલ્પના જ ક્યાંથી? માનવજાતને હવે તો પ્લાસ્ટિકના પતંગિયા નીરખવાની ટેવ પડી ગઈ છે.પતંગિયાની જીત પતંગિયાના અલ્પઆયુમાં રહેલી છે.પ્રત્યેક પુષ્પ પતંગિયાના ઠુમકા અને પક્ષીનાં ટહુકાનું ટેણિયું ભાઈબંધ છે.વૃક્ષ માટે પક્ષી અને પતંગિયું બેઉ સરખા.વૃક્ષની ડાળી પર નિરાંતે બેઠાં બેઠાં કોઈ પક્ષી પતંગિયાને સ્વાહા કરતું હશે ત્યારે જ કદાચ વૃક્ષના દેહમાં પાનખરનો પીંડ બંધાતો હશે.સૌમ્ય દત્તા નામના યુવા ફોટોગ્રાફરે ક્લીક કરેલી આ તસ્વીર માટે શ્રેષ્ઠ શીર્ષક શું હોઈ શકે? જવાબમાં ગુજરાતી ભાષાની બેનમૂન બેસ્ટસેલર બુકનું નામ યાદ આવે છે : પતંગિયાની અવકાશયાત્રા...
-પારસ કુમાર