હું ભારતીય છું
વાત ૧૯૬૪ ની છે.એક દસ વર્ષની બાળકી પ્રિન્સિપાલની ઓફિસમાં ઊભી હતી. સાથે સાથે એની ક્લાસની મુખ્ય શિક્ષિકા કુંદનબેન પણ નતમસ્તકે ઊભેલા. પાંચમાં ધોરણમાં ભણતી આ બાળકી ખૂબ ગુસ્સામાં લાગતી હતી.પ્રિન્સિપાલની ઓફિસમાં એ કુંદનબેનની ફરિયાદ કરવા આવેલી.
બાળકી થોડાં સમય પહેલા પ્રિન્સિપાલની રજા લઈ બે મહીના માટે પાકિસ્તાન ગયેલી. કારણકે એની મા ના ઘર વાળા બધાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યાં ત્યારે પાકિસ્તાન ચાલ્યા ગયાં હતા.એટલે એની મમ્મીએ ૧૭ વરસથી પોતાના ઘર વાળાને જોયા ના હતાં. તેથી એ બાળકીના પિતાએ નક્કી કર્યુ કે મમ્મીને પાકિસ્તાન લઈ જવા. ત્યારે વિઝાનો ખાસ પ્રોબલેમ ના હતો. બાળકીની બીજી પાંચ બહેનો તથા એક ભાઈ એમ મળીને નવ જણા દરિયા માર્ગે પાકિસ્તાન જવા રવાના થયા.
બાળકી આમ પણ દેશપ્રેમી ખૂબ. જ્યારે ભારત વિષે કોઈ ખોટું બોલતું તો રિસાઈ ને બેસી જતી. આમ પણ પાકિસ્તાનમાં એને ખાસ મજા ના આવી. અને જ્યારે ભારત પાછી આવી ત્યારે શાંતિ થઈ. સગા વહાલાને મળવાનો આનંદ ખરો પણ વતન ખૂબ યાદ આવે.
ભારત આવી ફરી એ સ્કુલમાં ગઈ. ક્લાસ ચાલુ થયાં, તો એની ક્લાસટિચર ક્લાસમાં આવી. અને કહ્યું કે," અસ્મા તું પાછી આવી ગઈ? કેમ પાકિસ્તાનમાં ના ફાવ્યું? આમ તો તારે ત્યાં જ રોકાઈ જવાની જરૂર હતી, તમે મુસલમાન આમ તો પાકિસ્તાની કહેવાઓ." નાની અસ્મા રડી પડી. એણે કહ્યું," બહેન હું પાકિસ્તાની નથી હું ભારતીય છું." પણ આખો ક્લાસ એને પાકિસ્તાની પાકિસ્તાની કહીને ખીજવવા લાગ્યો.શું પાકિસ્તાન જવાની આટલી મોટી સજા! ગુસ્સાથી નાની બાળકી તમતમી ઊઠી. એ સીધી પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ.
પ્રિન્સિપાલે તરત કુંદનબેનને બોલાવ્યા.પ્રિન્સીપાલે કુંદનબેનને પૂછ્યું," શું અસ્મા કહે છે એ વાત સાચી છે? તમે અસ્માને પાકિસ્તાની કહી? કુંદનબેન નતમસ્તકે ઊભા હતાં. બાળકી ગુસ્સામાં ઊભી હતી.પ્રિન્સિપાલે કુંદનબેનના મૌન અર્થ કાઢી લીધો. એમણે તરત કુંદનબેનને અસ્માની માફી માગવા કહ્યું. અને કુંદનબેને બે હાથ જોડી અસ્માની માફી માંગી. અસ્માએ બેનના બન્ને હાથ પકડીને કહ્યું," બહેન્ હું પાકિસ્તાની નથી, હું ભારતવાસી છું.ભારત જ મારો દેશ છે."
આજ આટલા વરસ પછી અને ભારત છોડી અમેરિકા આવી જવા છતાં અસ્મા હજુ ભારતને પોતાનું વતન સમજે છે. ભારત દેશ માટે અભિમાન લે છે.ભારતવાસી હોવા માટે કોઈ ધર્મનું લેબલ કે કોઈ જ્ઞાતિ કે કોઈ રંગ કે કોઈ ભાષા હોવી જરૂરી નથી. ફકત ભારતમાં એનો જન્મ અને ભારત પ્રત્યે પ્રેમ અને ભાવના હોવો જરૂરી છે. તો " દુનિયાવાલો હમપે બુરી નજર ના ડાલો હમ હૈ હિંદુસ્તાની!!
મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ જે ભારતીય છે એને શાંતિથી રહેવા દો !!
સપના વિજાપુરા