Hi,


વોટ્સ અપ જાન ?

તું રોજ રોજ મારા મેસેજીસ વાંચીને કંટાળી ગઈ હોઈશ એટલે જ આજે પત્ર લખવા બેઠો છું...લાલ રંગથી ! ના ના ચિંતા ના કર આ લાલ ઇન્ક જ છે, લોહી નથી. પણ એનો એક એક શબ્દ મારા દિલના ઊંડાણમાંથી આવી રહ્યો છે, મારી ધડકનો સાથે રમી રમીને જે પુખ્ત થયા એ શબ્દો જ અહીં મૂકીશ...

મને ખબર છે કે, તું મારાથી નારાજ છે. તને તારી નારાજગી જતાવવાનો પૂરો હક છે. તને લાગે છે કે મારે મને મળી રહેલી સરકારી નોકરી સ્વીકારી લેવી જોઇએ. પણ મારું મન નથી માનતું. મારે બિઝનેસ કરવો છે. છેલ્લાં બે વર્ષથી એમબીએ નો કોર્સ હું સરકારી નોકરી માટે નહતો કરતો ! હાલ તને મારા આઈડિયા હવાઈ કિલ્લા જેવા લાગે છે પણ યાદ રાખજે એ હવાઈ કિલ્લો જ એક દિવસ સાચુકલો કિલ્લો બનાવવા નિમિત્ત બનશે. તને ખબર છે, હું નાનો હતો ત્યારથી જ મને ક્રિકેટર બનવું હતું. બેટ અને બોલ જોઈને જ મને કંઇક થઈ જતું. મારી નસોમાં લોહી તેજ ગતિથી દોડવા લાગતું...જેવું અત્યારે તને જોઈને થાય છે ! સારા કોચિંગને અભાવે હું એમાં આગળ ના જઈ શક્યો પણ, હજી મારી સ્કૂલ અને ઘરની આસપાસની ગલીઓમાં લોકો મને રાઘવ ક્રિકેટર તરીકે ઓળખે છે. ઘરમાંથી ખૂબ પ્રેશર હતું, ભણવા ઉપર ધ્યાન આપ. ક્રિકેટ છોડવું પડ્યું. પૂરું ધ્યાન ભણવામાં દીધું. એન્જીનીયર થયો. એમબીએ કર્યું. હવે શું ?

ભણવાનું પૂરું થતાં જ, હવે શું ? એ એક પ્રશ્ન મારા, ફક્ત મારા જ શું કામ મારી સાથે જોડાયેલા તમામ લોકો, મારા માબાપ, મારા ભાઈ બહેન અને તું પણ જાન, આ બધા માટે ખૂબ અગત્યનો સવાલ બની ગયો છે. એના જવાબ ઉપર કેટલાયની જિંદગી નિર્ભર કરે છે એ હું સમજુ છું અને એટલે જ કહું છું. ક્રિકેટની વસ્તુઓ વેચવાનો મારો ઈરાદો મને પૂરો કરવા દે. મારી સ્પોર્ટ્સ શોપ આજે ભલે નાની છે, ગલીના નાકે આવેલી સામાન્ય દુકાન જેવી દુકાન છે પણ એમાંથી હું કમાઈ શકીશ એની મને ગળા સુધી ખાતરી છે. પછી સારી જગ્યાએ મોટો સ્ટોર ખોલીશું. બેટ અને બોલની સાથે સાથે હું છોકરાઓને ક્રિકેટ વિશે માર્ગદર્શન પણ આપીશ. જો નસીબ સાથ આપશે તો હું કોચિંગના ક્લાસ પણ ચાલું કરીશ.

જો હું અત્યારે સરકારી નોકરી કરી લઈશ તો મારા બધા સપના, મારી આગળ વધવાની તમામ ઇચ્છાઓ મરી જશે. હું જીવતો જરૂર રહીશ પણ જીવવાની તમન્ના વગર. તને યાદ છે, તને પેલું પિક્ચર બહું ગમેલું, ટાઇટેનિક ! એક પછી એક એમ ત્રણ શો આપણે એકસાથે જોયેલા...કેમ કે તને એ ગમેલું ! સાચું કહું તો મેં એ ફિલ્મ જોઈ જ નથી. તું રોઝ અને જેકને જોઈ ખુશ થતી હતી અને હું... હું બસ તને ખુશ થતી જોઈ રહેલો...! શું તું આવું ના કરી શકે? થોડો સમય મને મારી ખુશી માટે બિઝનેસ કરવા દઈ તું પ્રેમથી મને સાથ ન આપી શકે ? એક વરસ ફક્ત એક વરસ શાંતિ રાખ. જો આ એક વરસમાં હું કંઈ ના કરી શક્યો તો પછી નોકરી કરી લઈશ, કોઈ જ બહાનું બનાવ્યા વગર ખુશી ખુશી આખી જિંદગી !

થોડું વધારે લખાઈ ગયું હોય તો...માફ કરજે ! લાગણીઓને તોળી તોળીને ખર્ચવાનું મને ફાવતું પણ નથી અને આવડતું પણ નથી !

તારી એક નજરનો તરસ્યો,

ફક્ત તારો, રાઘવ.

Gujarati Romance by Niyati Kapadia Nirjhar : 111101239
Pratik Devmorari 8 year ago

superb yaar ,,,dil.ko chu jane vaali baate bol di yaar ,,,good ,write ,

p 8 year ago

mast love latter

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now