મોસમ કેવી છે પ્રણયની.....
મોસમ કેવી છે પ્રણયની, આજ વાત કહેવી છે હ્રદયની,
ક્ષણવાર ઉભાતો રહો કરામત જોવી છે મારે નયનની.
મોસમ કેવી છે પ્રણયની.....
લીલી ચાદર છે ચોતરફ, નવી કૂપણો ફુટી છે આ ધરાની.
વનરાઈ પણ ખીલી, જયાં ધ્વની મળી તમારા પગરવની.
હવામાં પણ માદક પ્રસર્યું, સુગંધ ભરી તમારા શ્વાસની,
મોસમ કેવી છે પ્રણયની.....
કાયાની કોતરણી હતી એવી,જેમ ચંદને વીંટાયેલા સર્પની.
છટા હતી ઉડતા વાળની, જેમ પારેવાડી ખુલ્લા આભની.
કવચ સોંસરવું ઉતરતું તિર,એ નિશાની હતી એના નેણની,
મોસમ કેવી છે પ્રણયની.....
અરણ્યના રસમય ફૂલ એકસાથે જેમાં લઢયા હોયને,
એવી જ મહેંક મધુર રસથી તરબતર ગુલાબી હોંઠની.
ઢળતી સંધ્યાના રંગને મોરપીંછથી રંગાયેલા એ ગાલની.
મોસમ કેવી છે પ્રણયની.....
ગુલાબી દરિયાની મધ્યે બનેલા જળકુંડા જેવી નાભિની,
કમરની કળા એવી તો જેમ દરિયે હિલોળા લેતી નાવની,
વાદળોને ટીપીને દૂધમાં બોળી હળવેકથી મુકેલી પાનીની.
મોસમ કેવી છે પ્રણયની.....
નથી હું કોઈ નૃપ, નથી કાંઈ પાસે મારી મહોલાત નગરની.
વાચા ફૂટી છે આતો, તમારા માટે હરદમ ધડકતા હૃદયની.
સાહ્યબીતો શું આપું છતાં હાથમાં ભેટ ધરું મારા જીવનની.
મોસમ કેવી છે પ્રણયની.....
- જલ સાગર