સૂર ડૂબેને સમી સાંજે સાંવરિયા યાદ તારી.
સમદર ઊછળતો ગાજે સાંવરિયા યાદ તારી.
આભે પથરાઈ લાલીને ગોધૂલિ ડમરી ઉડાડે,
કાન પરત ફર્યા છે આજે સાંવરિયા યાદ તારી.
રામમંદિરે રમઝટ બોલે ધૂન બાળકવૃંદ તણી,
વ્યોમે શશી ડગલાં માંડે સાંવરિયા યાદ તારી.
શુક્રતારક થૈ ઉતાવળો ગગને પોત પ્રકાશતો,
રજનીરાણી ઘૂંઘટ તાણે સાંવરિયા યાદ તારી.
રળ્યાંખળ્યાં કોઈ વિહંગ નીડ ભણી નજરાયે,
હરખપદૂડાં કરીને અવાજે સાંવરિયા યાદ તારી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '