લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ
ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ
હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ
બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ
તું અઢી અક્ષરમાં બાધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ