શું કિન્ના, શું કાનેતર!
અમે તો ‘પતંગ ઉડાડવા’ની સીઝનના માણસ હતા. આમ ક્યારે બે-ચાર દિવસના ‘પતંગોત્સવ’ના પ્રેક્ષક બની ગયા એ ખબર જ ન પડી.
કો’ક કો'ક દિ’ અગાશી ભીની કરી વિદાય લેતું ચોમાસું અમારા ‘પતંગ ટાણા’ આવ્યાની છડી પોકારે અને પછી ભાદરવો-આસો સુધી આકાશ અમારું. આમ, દોઢ-બે મહિના ચાલતું લાં....બુ ‘પતંગ ટાણું’ કેમ ભૂલાય? અગાશીની ‘ચમનબંગલી’ કે ઉપરના ઓરડામાં ડામચિયાના પાયાઓ નીચે દોઢ-બે મહિના સુધી પડી રહેતી અને રોજ સાંજે નીકળતી થોડી ઘણી પતંગો અમારા બાળપણની સંપત્તિ હતી જે હવે સ્મૃતિ બની ગઈ.
રોજ સાંજે નિશાળેથી આવી દફતરનો ઘા કરી અમે હરણીયાંની જેમ અગાશી તરફ દોટ મૂકતા. ન હાથ ધોવાનું ભાન કે કપડાં બદલવાનો સમય, ન ભૂખની પરવા કે ન પડવા આખડવાની બીક. ‘પતંગ ટાણા’ની ઢળી જતી સાંજ અમને વેરી લગતી, એમ જ થાય કે અંધારું મોડું થાય તો સારું.
હવે તો ઉત્તરાયણે ધાબે ચઢો અને વાસી ઉત્તરાયણે ધાબેથી ઊતરો એટલે પતંગોત્સવ પૂરો! બે-ત્રણ દિ’માં માળિયામાં કે કબાટની ઊપર મૂકાઈ જતાં પતંગ-ફીરકી ભૂલવાં જ પડે.
પતંગને લગતી અમારી પરિભાષા સાવ જુદી અને રસપ્રદ હતી. પતંગને અપાતી ‘છૂટ’ અમારે માટે ‘ઉછાકલો’, ‘ગરીયો’ અમારે માટે ‘મચ્છી ભાત’, ‘માથે દાર’ અમારે માટે ‘તોપ ભાત’, ‘કમાન’ અમારે માટે ‘કમરી’, .'ઢાલ' અમારે માટે ‘ફાફ’ અને 'ટુક્કલ' અમારું 'ફાનસ' હતાં.
અરેરે, અમે ક્યારથી ઢીલ આપી પતંગ કાપવાનો વિવેક ભૂલી દોર ખેંચીને તોછડાઈથી પતંગ કાપતા થઇ ગયા! અમે ક્યારથી ‘હો...કાટા...’ના એકલ-દોકલ સાદને બદલે ‘કાપ્યો છે’ની ચિચિયારીઓ સાંભળતાં થઇ ગયા! અમે ક્યારથી અમારી પતંગોને ‘તલ્લા ગોથ’ મારતાં જોવાની મજા લેવાને બદલે બીજાની પતંગો ‘લપેટતા’ થઇ ગયા! ‘પતંગ ટાણા’માં રોજ સમી સાંજે થોડા થોડા સમયે અગાશી સુધી પહોંચતી આસપાસના મંદિરોની આરતીના ઘંટારવ અને નગારાંના ગેબી અવાજ સાંભળતાં અમે, કર્કશ માઈકના સાઉન્ડ, ફટાકડાના કાન ફાડી નાખતા અવાજ અને નર્યો ઘોંઘાટ સહન કરતાં શીખી ગયા!
પણ એક વાત છે. ઉત્તરાયણ કહો કે સંક્રાંત, આ પર્વનું ધાર્મિક, સામજિક, પારિવારિક અને વૈજ્ઞાનિક મહત્વ જે કાલે હતું તે આજે પણ છે. પતંગોત્સવ તો પર્વની ઉજવણીનું નવું નામ છે, નવી શૈલી છે. મને લાગે છે ઉત્સવ નહીં, અમે બદલાઈ ગયા.
આજે દૂર દૂર સંધ્યાના રોમાંચક રંગોમાં હું અમારું ગઈકાલનું ‘પતંગ ટાણું’ અને આજની ‘ઉત્તરાયણ’ એકાકાર થતાં જોઉં છું ત્યારે મને છેલ્લી છેલ્લી ઉત્તરાયણે બધી સીઝનની પતંગો ઉડાડી લીધાનું યાદ આવે છે.
ધાબાને અગાશી નામ આપ્યું’તું અને ભાદરવો-આસોનું આકાશ ખાસ ભાડે રાખ્યું’તું, સંક્રાંતનો પવન ઉછીનો મંગાવ્યો’તો અને પતંગોની કિન્ના બાંધવાનાં કાણાં પાડવા માટે અગરબત્તી પણ સળગાવી'તી. તલની લાડુડી ને ચમેલી બોર પણ હતાં, કદાચ.
ઢીલથી કે ખેંચીને, પતંગ કાપ્યો’તો કે કપાયો’તો એ બરાબર યાદ નથી આવતું! આકાશ પણ નિરૂત્તર છે.