#મમ્મી
ફુગ્ગા
મારો દીકરો શ્લોક અને હું બંને સાંજે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની એક બાજુએ બંધાયેલા બે ત્રણ ઝુંપડા તરફ શ્લોક જોઈ રહ્યો હતો, મેં પૂછ્યું, “ શું થયું? ક્યારનોય શું જોઈ રહ્યો છે?"
“એ લોકો કેટલા ગરીબ છે એ તે જોયું? એમનું ઘર તારા ટેન્ટ હાઉસ જેવડું છે જે તને રમવા માટેય હવે નાનું પડે છે! આવા વરસાદમાં રાતના બધા અંદર કેવી રીતે સૂઈ જતા હશે?" હું મારી ધૂનમાં જ આવું બધું બોલી રહી હતી ત્યારે એણે મને ધીરેથી કહ્યું,
“મમ્મી એ ઝુંપડાની ઉપર જો ત્યાં કેટલા બધા બલૂન(ફુગ્ગા) બાંધેલા છે! એ લોકો આટલા ગરીબ છે તો પણ એમના બચ્ચાઓને કેટલો પ્યાર કરે છે, એ સારી વાત છે ને મમ્મી!”
હવે જ મારું ધ્યાન એ કોથળીઓ બાંધીને બનાવેલા ઝૂંપડાની ઉપરની તરફ ગયું. હા ત્યાં દસ બાર લાલ પીળા ફુગ્ગા મૂકેલા હતા અને એની સાથે એ મોટી લાકડી પણ દેખાઈ જેની ઉપર એ બાંધેલા હતા! એ લાકડી ઉપર આ ફુગ્ગા બાંધીને એ ઝૂંપડામાનો જ એક છોકરો રોજ એ ફુગ્ગા વેચવા રોડ ઉપર રખડતો મેં ઘણીવાર જોયો છે! એના માટે એ ફુગ્ગા એના માબાપે લાવી આપેલ રમતનું નહિ પણ આજીવિકાનું સાધન છે આ વાત હું મારા દીકરાને કહેવા જ જતી હતી પછી અચાનક અટકી ગઈ.
એના ચહેરા પર એક મસ્ત ખુશી દેખાઈ રહી હતી. બધા બાળકોને એમના માબાપ કેટલું વ્હાલ કરતા હોય છે એ વિચારે એનામાં એ ખુશી જન્માવી હશે. ક્યાંક એ મને જણાવી રહ્યો હતો કે એ લોકો આટલા ગરીબ છે છતાં એ બાળક પાસે આટલા બધા ફુગ્ગા અને એને હું દર રવિવારે એક જ ફુગ્ગો અપાવું છું! કારણ ગમે તે હોય સચ્ચાઈ બતાવીને એને દુઃખી કરવા કરતાં એના મનમાં સારી ભાવના અને સકારાત્મકતા જળવાઈ રહે એટલે મેં હસીને કહ્યું,
“આ રવિવારથી તને ત્રણ ફુગ્ગા લઈ આપીશ હવે બરાબર?" એણે મારો હાથ જોરથી દબાવ્યો અને હસી પડ્યો.
નાના બાળકોને દરેક વખતે સચ્ચાઈનું વરવું રૂપ બતાવીને એમના મનમાં નેગેટીવ વિચારો ભરવા કરતા સારી સારી વાતો કહી પ્રેમ અને વિશ્વાસ વધારવાનું હું વધારે યોગ્ય માનું છું. વખત આવે એને હકીકત જરૂર જણાવીશ પણ ખાસ મોકો જોઈને, એમના દિલને ઠેસ ન પહોંચે અને પેલા ફુગ્ગાવાળા છોકરા તરફ એને માનની લાગણી જન્મે એવી રીતે...?
©નિયતી કાપડિયા