સોનેરી દિવસોની સ્મરણયાત્રા - હકો
એનું નામ હકો પાડેલું.
સાચું નામ તો કોને ખબર?ખબર નહિ ક્યારથી એ સાથે હતો કોણ લાવ્યું હતું.
આમ તો કે'વાય સાવ સામાન્ય રમકડું.સાવ સામાન્ય રમકડું. દેખાવમાં કહું તો જિરાફ જેવું લાગતું. જોકે ત્યારે જિરાફ જોયેલું નહીં. કેસરી રંગ હતો.એકદમ લાબું ગળું લીલી આંખો અને તેમાં ડોળા ઉપર,એકદમ આંખોમાં અચરજનો ભાવ.જેમ બે પગ રાખીને શેરીનો કૂતરો બેસે તેવી રીતે બેસેલું.મોઢું પાછું સિંહ જેવું લાગતું. એકદમ સીધા અને લાંબા કાન અને ચેહરા પર સ્મિત. એકંદરે કહું તો જિરાફ જેવું દેખાતું.
મને યાદ નથી ક્યારે આવ્યું? કોણ લાવ્યું? પણ મને ખૂબ ગમતો.સરસ મજાનો લીસ્સો લીસ્સો.હાથમાં પકડી રમવાની મજા આવે. હું તો ખૂબ રમતો તેની સાથે,કેટલી બધી યાદો જોડાયેલી છે. તેની ગણતરી કરવી મુશ્કેલ છે. બધા રામકડાઓમાં મારુ પ્રિય હતું. આમ તો નાનપણથી જ મને ક્રિકેટનો શોખ છે. હકાને હાથમાં લઈ પ્લાસ્ટિક કે રબરના દડા સાથે ખૂબ ક્રિકેટ રમેલો.મારો ભાઈ ગૌરવ પણ ક્રિકેટનો ખૂબ શોકીન. અમારી રમતમાં તેને પ્રાધાન્ય રહેતી. બધા રમકડાંઓને બે અલગ અલગ ટીમમાં વહેંચી નાખવના. પછી બંને ટીમની બોલિંગ અને બેટિંગ આવે. બેટિંગમાં દરેક રમકડાં બેટ્સમેન બને અને બોલ તરીકે સોડાબોટલનો બીલ્લો અથવા ગોળી રહેતી. પછી જે મજા આવતી ક્રિકેટ રમવાની તે વાત જ અલગ હતી. તેમાં હકો હંમેશા કેપ્ટન બનતો અને ફાટકાબાજી કરતો. આમ ખૂબ રમ્યા અને એકદમ સોનેરી યાદો. તે સમયે નાની બેન રાધા કાદમ્બરી સાથે અન હકાને લઈને ઝઘડો થતો. તેને પકડી ખેંચાખેચી થતી અને તૂટી ના જાય તેટલે છોડી દેવો પડતો મારે જ ને વળી. આવી તો અનેક યાદો જોડાયેલી છે કેટલી છે એ પણ યાદ નથી.
એમ કહેવાય છે કે જેનો આરંભ છે તેનો અંત નક્કી છે. આ અંત સમય ખૂબ દુઃખ આપે છે. ભલે ને હકો એક રમકડું હતું પણ એક જીવંત સભ્ય હતો.ધીમે ધીમેં તેની ઉમર થઈ,તેના શરીરમાં તિરાડો પડવા માંડી. ક્યાંક ક્યાંકથી શરીર ઉખાડવા માંડ્યું. તે સમયે તેની આ હાલત જોઈ ખૂબ દુઃખ થતું. મેં ઘણી કોશિષ કરી કે પેલા જેવો કરી દઉં. પણ અફસોસ બેકાર ગઈ બધી. સચવાય તેટલો સમય સચાવ્યો પણ આખરે એ સમય આવી ગયો.જ્યારે તેને વિદાય આપવી પડી. તે સમયે આખો ભીની થઈ ગયેલી. લગભગ મારા જન્મથી હું ૧૫ વર્ષનો થયો ત્યાં સુધી સાથ નિભાવેલો આવો સાથ આજકાલ કોણ આપે છે? હા એક ફોટો છે અમારા બંનેનો સાથે જે તેની યાદ સદા જીવંત રાખે છે.
આજકાલના બાળકોને રમકડાં છોડી મોબાઈલમાં ખુપેલાં જોઈ દુઃખ થાય છે કે એ સુવર્ણ દિવસો ક્યાં ગયા. આપણે બધાના તે સમયે કોઈને કોઈ આવા પ્રિય રમકડાં હતા. તેને દિલોજાનથી એક જીવંત વ્યક્તિની જેમ સાચવતા અને પ્રેમ કરતા. આજે આવું નથી રહ્યું કેમ જે પેઢીએ આ કર્યું છે તે જ કેમ પોતાના બાળકોમાં આ રોપી નથી શકતી. એક મંથનનો વિષય તો છે જ.
કાંઈ નહીં અત્યારે તો આવા કોઈ રમકડાં સાથેની યાદને વાગોળીયે અને બચપનના એ સોનેરી સમયમાં સફરનો આનંદ માણીયે.
શ્રેયસ ત્રિવેદી