ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું!
કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.
સમદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.
હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
- ગુણવંત શાહ
ઝાકળની નાનીશી દુનિયા કે, માનવનો નાનો શો ફલક તૂટી પડે ત્યારે થતી, નિર્વેદની, નીરાશાની લાગણીની અભિવ્યક્તિ આ ગદ્યના સ્વામીએ કેટલી સજીવારોપણથી ભરપુર રીતે કરી છે?