આ હૃદય તારા જ માટે રોજ ધબકે છે સનમ,
એટલે ઈશ્વરને પણ આ વાત ખટકે છે સનમ.
બોલ, તેં મારામાં એવું તો શું જોઈ લીધું છે,
તું મને જોઈને કાયમ આંખ મટકે છે સનમ.
ભાન મારું સર્વ ભૂલી જાઉં છું હું એ ક્ષણે,
વાળ જ્યારે તું હવામાં રોજ ઝટકે છે સનમ.
મારું તન ને મન ખુશીથી ઝૂમી ઊઠે છે સદા,
પ્રેમથી જ્યારે મને તું આમ અડકે છે સનમ.
સર્વ દિલનાં દર્દ મારા દૂર પણ થઇ જાય છે,
દૂરથી ઊભી રહી જ્યારે તું મલકે છે સનમ.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)