#KAVYOTSAV
ગઝલ..
વિચારોને પાંખો લગાવી શકો છો,
જગતને તમે હચમચાવી શકો છો.
ને જો હોય વિશ્વાસ ખુદમાંય તમને,
તો જગને તમે પણ નમાવી શકો છો.
કરી દો પ્રથમ તો અહમનો સફાયો,
જગા સૌના દિલમાં બનાવી શકો છો.
અગર સત્યને પામવું હોય મિત્રો!
હદય દ્વારને ખટખટાવી શકો છો.
બધી વ્યર્થ ઈચ્છાને કરશો દફન તો,
તમારા જીવનને સજાવી શકો છો.
મઠારે ગઝલ રોજ 'ધબકાર',દિલથી,
હવે સૌ ગઝલ ગુનગુનાવી શકો છો.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)