#KAVYOTSAV
ગઝલ...
આંગણું શોભન થયું છે આપના આવ્યા પછી,
ધન્ય આ જીવન થયું છે આપના આવ્યા પછી.
સાવ સૂનું થઇ ગયું 'તું દિલ આ મારું ઓ સનમ,
દિલમહીં ગુંજન થયું છે આપના આવ્યા પછી.
લાગણીનો એટલો વરસાદ વરસાવ્યો છે કે,
આજ રણ પણ વન થયું છે આપના આવ્યા પછી.
હું તો પ્હેલા બેફિકર જીવન જીવ્યા કરતો હતો,
ભીતરે ચિંતન થયું છે આપના આવ્યા પછી.
વાટ ખાસ્સી જોઈ જોઈ મૃત્યુ શૈયા પર પડ્યો,
હા,મરણ જીવન થયું છે આપના આવ્યા પછી.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)