ગઝલ...
હૃદયથી લખેલું કવન યાદ આવે,
નિહાળ્યું 'તું મેં એ ચમન યાદ આવે.
મને યાદ બીજું ન આવે કશુંયે,
મને ફક્ત એનું વદન યાદ આવે.
અને જે નયનથી થયો 'તો હું ઘાયલ,
હજી પણ એ કાતિલ નયન યાદ આવે.
ને જે સાંભળી ખીલી ઊઠ્યું'તું જીવન,
હમેશાં મને એ કથન યાદ આવે.
હ્રદય દ્વાર જ્યારે હું ખોલું છું ત્યારે,
મને ચોતરફ સૌ અમન યાદ આવે.
ખરી શાંતિ હું શોધવા જાઉં ત્યારે,
મને માત્ર મારું ભવન યાદ આવે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)