મીઠે રસ સે ભરોડી ' રાધા રાણી' લાગે....
'કૃષ્ણાષ્ટમી' તો સૌને યાદ છે... પણ
'રાધાષ્ટમી' વિશે કેટલાંને જ્ઞાત છે???
રાધા ગોલોકમાં હતાં ત્યારે એમને શ્રીદામા નામના પાર્ષદ(દેવતાઓના સંદેશવાહક)નો પ્રતિશાપ મળ્યો હતો. આ શાપને લીધે રાધાએ મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડયો અને પ્રભુના વિરહાગ્નિમાં રાધા સો વર્ષ સુધી ઝૂર્યા હતાં. રાધા અને કૃષ્ણને યુગલસ્વરૂપે પૂજવાં અને ભજવાંની પરંપરા સદીઓથી ચાલી આવી છે.
વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધાજીનો જન્મ વૃંદાવનથી ૮ કિલોમીટર દૂર આવેલા બરસાના ગામમાં થયો હતો. રાધિકા, ગાંધર્વી, કૃષ્ણમયી, વૃંદાવનેશ્વરી, વ્રજરાણી, ગોકુળતરુણી જેવાં અનેક નામથી ઓળખાતી રાધા ગાયો ચરાવનાર રાજા વૃષભાનુ અને રાણી કીર્તિદા(કલાવતી)ની પુત્રી હતી. સ્નાન કરવા ગયેલા વૃષભાનુએ યમુનાનાં જળમાં કમળના ફૂલમાં એક તેજસ્વી કન્યા જોઈ હતી, તે રાધાજી . રાધાજી નો જન્મ 'ભાદરવા સુદ આઠમ' અને પ્રાકટયની તિથિ 'ભાદરવા સુદ બારસ' ગણાય છે.
બરસાનામાં બ્રહ્મા પર્વતની ટોચ પર રાધામંદિર આવેલું છે. ત્યાં રાધાષ્ટમી ખૂબ ધૂમ-ધામથી ઊજવાય છે.
સપ્તમી એટલે કે રાધાજન્મને આગલે દિવસે થતી ‘લડ્ડુફેંક લીલા’ ખૂબ રોચક હોય છે. શ્રદ્ધાળુઓ અને ભકતો પોતાની ઈરછા પ્રમાણે લાડુ લાવે છે. રાધામંદિરના ચોગાનમાં આ લાડુ એકબીજા પર ફેંકવામાં આવે છે અને ત્યાર પછી તે પ્રસાદ તરીકે ખવાય છે! સપ્તમીને દિવસે જ મંદિરમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે.
સપ્તમીની રાત્રે અને અષ્ટમીની સવારે પાંચ વાગ્યે રાધાનો જન્મ થયા પછી રાધાની વિશિષ્ટ મૂર્તિ પર મહાઅભિષેક કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, બલકે તે રાધાના પ્રાગટયરૂપે મળેલી પ્રતિમા છે. આખા વર્ષમાં આ એક જ વાર ભાવકોનાં દર્શનાર્થે તેને બહાર પધરાવવામાં આવે છે. તેથી જ આ મહાઅભિષેકનું ઘણું માહાત્મ્ય છે. અભિષેક માટે ઉપયોગમાં લેવાતાં પાત્રોમાં ફક્ત નીચેની બાજુએ છિદ્રો હોય છે. તેમાંથી થતી સહસ્રધારા વડે યુગલસ્વરૂપ રાધાકૃષ્ણ પર અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, મધ, ઘી, સાકર (પંચામૃત) અને યમુના કે ગંગાજળથી આ અભિષેક કરવામાં આવે છે.
મહાભિષેક બાદ પલનાનાં દર્શન થાય છે જેમાં રાધાના પ્રાગટય સ્વરૂપને પારણામાં બેસાડી ઝુલાવાય છે. અષ્ટમીની સાંજે છ વાગ્યે રાધામંદિરથી પચાસેક પગથિયાં નીચે આવેલી છત્રી જેવી ઘુમ્મટવાળી બેઠકમાં મંદિરમાં બિરાજેલી રાધાકૃષ્ણની પ્રતિકૃતિને લાવવામાં આવે છે. એકાદ કલાક પછી તેને ફરી મંદિરમાં પધરાવાય છે. ત્યાર બાદ એ દિવસની છેલ્લી શયનઆરતી કરવામાં આવે છે. કુમારિકા દ્વારા થતી આ આરતીને ‘આરતા’ કહેવાય છે.
સપ્તમીથી શરૂ થયેલો ઉત્સવ છ દિવસ ચાલે છે. રાધાકૃષ્ણની શિલ્પકૃતિ તેમ જ રાધાની સખીઓની મૂર્તિઓને રાજવી વસ્ત્રો પહેરાવી સુંદર રીતે શણગારેલા રથમાં મંદિર બહાર ફેરવવામાં આવે છે. વ્રજની ગલીઓમાં ઢોલ, મંજીરા વગાડતા અને હર્ષનાદ કરતા લોકો, દુનિયાભરમાંથી આવેલા ભકતો, ઠેરઠેર રાસલીલા કે બાળલીલા જેવી પ્રસંગાનુરૂપ ઝાંખીઓ, ઢાંડિયા (પરંપરાગત પોષાકમાં સખીભાવે નાચતાં સ્ત્રી-પુરુષો)નાં નાચગાન તેમ જ મધુર અવાજે ગવાતી રાધા સ્તુતિ-રાધા આરતી- રાધા ચાલીસા શ્રદ્ધાળુઓને અલૌકિક દુનિયામાં પહોંચી ગયાની અનુભૂતિ કરાવે છે.
'રાધા ગોરી રે.... રાસે રમવા આવજો રે લોલ..'
'સાચી પ્રિતની મૂરત એવાં રાધાજી ને શત શત વંદન... '
'બોલો રાધે પ્યારી કી... જય... વ્રજ દુલારીકી...' જય...