પ્રિયજન વગરની જિંદગી.....
માણસ એકલો જન્મ્યો છે અને એકલો જ મૃત્યુ પામવાનો છે, છતાં જન્મથી મૃત્યુ સુધી ઘણાં સંબંધોમાં જીવન જીવી લેતો હોય છે, મા-બાપ, ભાઈ બહેન, પત્ની, પતિ, બાળકો, મિત્રો એમ કેટ કેટલાય વ્યક્તિઓના પ્રેમમાં જીવન વીતી જાય છે. પણ આ બધા માં એક ખાસ વ્યક્તિ જીવન સાથે જોડાય છે એ છે 'પ્રિયજન'.
પ્રિયજન કહો કે પ્રિયતમ દરેક વ્યક્તિ એ સંબંધને શોધતો હોય છે, એને પામવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે, અને જેને એવું પ્રિયતમ નથી મળતું તે ભીડ વચ્ચે પણ પોતાની જાતને એકલી અનુભવે છે.
જ્યારે કોઈ જગ્યા ઉપર કોઈ કપલને જોઈએ ત્યારે પોતાની જાત ઉપર જ ક્યારેક ગુસ્સો આવી જાય છે, બાઇક પર કે બગીચામાં કોઈ યુગલ હાથમાં હાથ પકડી ને ચાલતા હોય ત્યારે દિલમાં થઈ આવે કે આપણા આવા દિવસો ક્યારે આવશે ??
અને તેમાં પણ અમદાવાદના રિવર ફ્રન્ટ ઉપર જો તમે એકલા જઈ ચઢ્યા તો તમારું બસો ગ્રામ લોહી બળી જ જવાનું છે તે નક્કી !!
ભલે આ બધું અનુભવો.. દુઃખ થાય... ઘણી ઈચ્છાઓ દિલમાં દબાવવી પડે... લાગણીશીલ થઈ ક્યારેક આંસુઓ પણ વહાવવા પડે પણ ક્યારેય કોઈને છેતરી, જુઠ્ઠું બોલી, ખોટા સપના બતાવી અને તમારા સામેના પાત્રને છેતરશો નહિ. તમે જેવા છો એવા જ રહો.. એ વ્યક્તિ તમારો સ્વીકાર કરે કે ના કરે પણ કોઈને અંધારામાં રાખી પ્રેમ ક્યારેય ના કરશો... આજે એ વ્યક્તિ તમારી સાથે જોડાઈ જશે, પણ જ્યારે તમારા વિશે એને સચ્ચાઈની જાણ થશે ત્યારે એજ વ્યક્તિ તમારાથી દૂર થઈ ગઈ હશે.
એકલા રહેવું સારું.. પણ કોઈની લાગણી સાથે રમત રમી પ્રેમ કરવો ખોટો......