#MERAKRISHNA
મારે મન કૃષ્ણ એટલે પ્રેમમાં ઝબોળાયેલું મેઘધનુષી મોરપીંછ, ડાર્ક એન્ડ હેન્ડસમ એવો રંગીન લાગણીઓનો ઘૂઘવતો સમંદર, ગામની ધૂળને ગુલાલમાં ફેરવી નાખતો રંગીલો માણસ....હા, મારા માટે કૃષ્ણ એટલે માનવસહજ મિત્ર. જે ઉપદેશો, સલાહો, વ્યાખ્યાઓથી પર છે. જેના માટે ગીતાજ્ઞાન બાંસુરીવાદનથી ક્યાંય છેટું છે. એ રીતિરીવાજો, માન્યતાઓ, રૂઢીવિચારસરણીથી જોજનો દૂર પ્રેમની પરાકાષ્ઠા પર જીવે છે. એના ગોકુળથી દ્વારકા સુધીના સફરમાં એ ક્યાંય સ્થિર નથી, છતાંયે એ સ્થિતપ્રજ્ઞતા જાણે છે અને જીવે પણ છે. એ આસ્તિકતા અને નાસ્તિક્તાની વચ્ચે જીવતો વાસ્તવિકતાનો ઝૂલો છે. એ મથુરાધિપતિથી વિશેષ મધુરાધિપતિ છે.એ મર્યાદામાં રહીને પણ પૂર્ણત્વને જાણી શક્યો છે.