પ્રેમ એ સનાતન સત્ય છે, પણ આજના સમયમાં પ્રેમએ મઝાક સિવાય બીજું કંઈ જ નથી... સંબંધ નવો નવો હોય ત્યાં સુધી આંખોની ચમક પણ જુદી હોય પણ એજ સંબંધ જો થોડો જૂનો થાય તો આંખો પણ બદલાવવા લાગે છે, એકબીજાની સામે કલાકો સુધી તાકી રહેતી એ આંખો કોઈ ત્રીજી વ્યક્તિને શોધતી થઈ જાય છે, અને ત્યારે ભારોભાર પછતાવો થાય છે કે પ્રેમ ખોટા વ્યક્તિ સાથે થઈ ગયો. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ પ્રેમ હોતો જ નથી, માત્ર અને માત્ર આકર્ષણ જ હોય છે.
ઘણાં લોકોને મેં જોયા છે જે પરણિત વ્યક્તિઓ પ્રત્યેના આકર્ષણને પ્રેમનું નામ આપે છે, પોતાનો પતિ અથવા પત્ની જો તેની લાગણીઓને ના સમજે એટલે એ વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિ માટે આકર્ષાય અને એને પ્રેમ માની લે છે પણ જ્યારે એ ત્રીજી વ્યક્તિ સાથે પણ ઝગડા થાય ત્યારે બંને એકબીજા ઉપર દોષના ટોપલા ઠાલવતા હોય છે, તો એવા પ્રેમનો શું મતલબ જેમાં તમે એકબીજાના ક્યારેય થઈ જ નથી શકવાના ? અને માનો કે પોતાનો પતિ અથવા પત્ની પોતાને સમજતા નથી અને તમારા જીવનમાં ત્રીજી વ્યક્તિની ખરેખર જરૂર છે તો એ વ્યક્તિ ઉપર તમે અધિકાર ક્યાં કારણથી કરો છો ? ના તમે એના જીવનમાં જઈ શકવાના છો ! ના એ તમને અપનાવી શકવાનો છે તો પછી શું કામ પોતાની જાતે જ દુઃખને આમંત્રણ આપીને બોલાવો છો. અને આવું થવાથી તમને દર વખતે એવું જ થશે કે હવે કોઈ ને જીવનમાં નથી આવવા દેવા અને કોની ક્યારે એન્ટ્રી થઈ જાય એ તમે પણ નથી સમજી શકતા, તમે દુઃખી થાવ અને ત્યારે કોઈ તમારા આંસુ લૂછે, તમને સહારો આપે, તમારી સાથે સારી સારી વાતો કરી એ તમારી નજીક આવવા જ મથે છે અને તમે એને લાગણી સમજીને એના ઉપર વિશ્વાસ મૂકી દો છો, પણ એ વિશ્વાસ નહિ છૂપો સ્વાર્થ હોય છે, જે તમને તરત નહિ સમજાય જ્યારે એજ વ્યક્તિથી તમને તકલીફ થશે ત્યારે સમજાશે.. પણ ત્યારે કદાચ ઘણું જ મોડું થઈ ગયું હશે, અને પછી રડવા સિવાય કે દુઃખી થયા સિવાય તમારી પાસે કોઈ રસ્તો બચ્યો જ નહીં હોય.
કહેવાનું એટલું જ કે ખરાબ સમયમાં કોઈ એવો નિર્ણય ના કરી લો જેના દ્વારા એ નિર્ણય ઉપર પછતાવવા સિવાય તમારી પાસે કઈ જ ના હોય, સારા મિત્રો બનાવો, જે તમને સમજી શકે, સાથ આપી શકે, પણ આ પ્રેમની માયાજાળમાં ફસાઈ અને જીવન શું કામ બરબાદ કરવું ? પ્રેમ કરવો ખોટો નથી, પણ તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ કેવું છે તે ખૂબ જ મહત્વનું છે.