આજે સવારે હમેશાની જેમ ફરવા જતો હતો ત્યાં એક સૂકાયેલા વૃક્ષ પર નજર પડી. સાવ ઠૂંઠા જેવું થઇ ગયું હતું. મારી માફક અનેક લોકોની નજર તેના પર પડતી જ હતી. બે જણા સાથે મળીને તેને કાપતા હતા. કૂહાડીના ઘા ધડાધડ પડતા હતા. નાના-મોટાં ટુકડાં વૃક્ષથી અલગ થઇને નીચે પડતા હતા. જોતજોતામાં તો એક વૃક્ષનું લાકડામાં રૂપાંતર થઇ ગયું. હું મનોમન વિચારતી હતી ક્યારેક આ પણ લીલુછમ વૃક્ષ હશે. તેની ઉપર પણ લીલાછમ પર્ણ હશે, ખુશ્બુદાર પુષ્પ લહેરાતા હશે, પતંગિયા કે ભ્રમરનો ગુંજારવ હશે. ફળોથી કયારેક લચી પડ્યું હશે. અને આજે તેની આ દશા?  તેને કેટલું દુ:ખ થતું હશે?  સૂકાઇ ગયું એટલે આમ ક્રૂરતાથી કાપી નાખવાનું? ઉપયોગ પૂરો થઇ ગયો એટલે સાવ આવું કરવાનું?
 
ગમે તે અવસ્થામાં ખુશ રહેવાનું. કોઇ ધારે તો પણ દુ:ખી કરી જ કેમ શકે? વાહ. આનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે? સંજોગો તો આપણે ફેરવી શકતા નથી. પરંતુ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાની કળા તો જરૂર શીખી શકીએ.
મેં લાકડાના એક ટુકડા પાસે જઇ હળવેથી પૂછયું, ‘તને કેટલું દુ:ખ થતું હશે નહીં? તું સૂકાઇ ગયું એટલે તને કાપી નાખે છે. લોકો ખરા નિર્દયી બની ગયા છે.’

મારા પરમ આશ્વર્ય વચ્ચે લાકડાના તે ટુકડાએ હસીને જવાબ આપ્યો.  

‘ના રે, દુ:ખ શાનું? અત્યારે ભલે મને કાપી નાખ્યું છે. એક લીલાછમ વૃક્ષમાંથી હું હવે લાકડાનો ટુકડો બની ગયો છું. પરંતુ એનું દુ:ખ શા માટે? હવે હું બીજી રીતે જીવીશ.’

મેં પૂછયું, ‘એટલે? બીજી વળી કઇ રીતે?’

‘અરે, હવે હું સરસ મજાનું ટેબલ કે ખુરશી બનીશ...મારી ઉપર બેસીને કોઇ જમશે..કોઇ નાનકડું બાળક મારી ઉપર બેસીને કિલકિલાટ કરશે..અને હું ફરી મહોરી ઉઠીશ. કે પછી કોઇ નાનકડી ટીપોય બનીશ...અને તો મારી ઉપર કોઇ સરસ મજાનું ફલાવરવાઝ ગોઠવાશે..સુંદર મજાના ફૂલોથી હું યે સુશોભિત થઇ ઉઠીશ, કે પછી ખાલી કોઇ નાનકડું સ્ટૂલ બનીશ તો પણ શું? કોઇને ઉપર ચડવામાં મદદરૂપ તો બની શકીશ ને? બસ...મારું જીવ્યું સાર્થક...અને કદાચ આમાંથી કશું ન બની શકું તો કોઇ ગરીબના ઘરનો ચૂલો તો જરૂર સળગાવી શકીશ. બસ, એટલું કરી શકીશ તો યે મને કોઇ અફસોસ નહીં હોય. કોઇ પણ રીતે કોઇને કામ આવી શકું એટલે મારું જીવન તો સાર્થક જ ને?

ઇશ્વરમાં જો ખરેખર માનતા હોઇએ તો આપણી શ્રધ્ધામાં કચાશ કેમ ચાલે? સર્જનહાર પર ભરોસો રાખવો તો પછી પૂરો જ રાખવો જોઇએ ને?

નાનકડાં તણખલાની પણ જો આ જીવનદ્રષ્ટિ હોય તો આપણે તો માનવી છીએ..ઇશ્વરનું પરમ સર્જન છીએ.. પરમાત્માનો એક અંશ છીએ.. આપણે આવી જીવનદ્રષ્ટિ કેમ ન કેળવી શકીએ? સુખમાં તો સૌ કોઇ હસી શકે..ગાઇ શકે.. સંઘર્ષની ક્ષણે ગાઇ શકીએ, પીડાની પળોમાં પણ જીવનસંગીત ચાલુ રહી શકે અને ચહેરા પર સ્મિતની હળવી લહેરખી ફરકી શકે તો જીવનમાં કોઇ ફરિયાદને અવકાશ ન રહે. જે આપણા હાથની વાત નથી એનો હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે તો હસીને  શા માટે ન કરવો?
                                            નીલમ દોશી  ^_^

Gujarati Questions by Abhi : 111025207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now