શુ આજની 'નારી' સ્વતંત્ર છે ?
આજે જ્યારે દેશની આઝાદીને અડધી સદીથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે શુ ભારતની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે ? સિક્કાની એક બાજુ એ છે કે ભારતીય મહિલાઓએ કલાથી લઈને વિજ્ઞાન સુધી અભૂતપૂર્વ ઉન્નતિ સાધી છે. આજે એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પુરૂષના ખભા સાથે ખભો મેળવી ચાલી ન રહી હોય.
કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે.
દહેજ માટે તેને સળગાવવી,બાળકીને દૂધપીતી કરવાની પ્રથા, અને હવે તો આજના મોર્ડન સમાજમાં મોર્ડન પ્રથા વિકસિત થઇ છે,સીધું ગર્ભમાં જ જાતી પરીક્ષણ કરી, બાળકીને ગર્ભમાં જ!!!?? આવી ઘટનાઓ અવાર-નવાર થતી રહે છે,
અને આપણે જો શિક્ષિત પરિવારની વાત કરીએ તો એક જ પુત્રી હોવાથી આપણે મોટાભાગે સાંભળીએ છીએ કે અમે તો અમારી છોકરીને છોકરાની જેમ જ ઉછેરી છે. શુ માતા પિતા પણ આવી વાતો કરીને છોકરાને છોકરીથી ઉંચુ પદ નથી આપી રહ્યા ? છોકરીના જીવન સાથે સંકળાયેલા મોટાભાગના નિર્ણયો માતા-પિતા જ લે છે.
કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે.
કેમ સાંજ થતાં પહેંલાં એને ઘરની ચાર દિવારોમાં કેદ થવું પડે છે???
આજે પણ કેમ એક દિકરી 'રોડછાપ રોમીયો' ના ફેંકેંલા એસીડનું દર્દ સહન કરે છે???
પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શું આ જ આપણી સ્વતંત્રતા છે ?
આમા દોષી કોણ છે, પુરૂષ, મહિલા કે સ્વયં સમાજ ?
આ તિરંગાને જોઈને મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે,
શું આજની નારી સ્વતંત્ર છે ?