Gujarati Quote in Whatsapp-Status by Nita Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું આપણને વસ્ત્ર પરિધાન કરવાની સમજ નથી?
       
                    હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે.છેલ્લા કેટલાંક દિવસથી એક વાત આંખે ઉડીને વળગી છે.એટલે આજે એ અંગે લખવાનો વિચાર આવ્યો.બે દિવસ પહેલાં એક મેડમ ઉંમર આશરે ચાલીસ હશે.સ્કૂટી પાસે ઉભા રહી કોઈકની રાહ જોઈ રહ્યા હતા.થોડીવારમાં એક દીકરી આશરે પંદર -સોળની ઉમર હશે.વનપીસ સ્લીવલેસ પહેર્યું હતું,લંબાઈ થાઈથી અડધી જેવી.સ્કૂટી ઉપર બેસવા ગયી તો ઇનર વસ્ત્ર પણ દેખાઈ ગયું! બીજી બાજુ પતિ-પત્ની અને સાથે બે દીકરી ઉંમર આશરે સત્તર અને અઢાર વર્ષ હશે.પતિ મહાશયે ટી શર્ટ ,જીન્સ પેન્ટ અને પત્નીએ ટાઈટ વનપીસ પહેર્યું હતું.બન્ને દીકરીએ જીન્સ હાફ પેન્ટ એટલે સાદી ભાષામાં જીન્સની ટૂંકી ચડ્ડી અને ઉપર લો વેસ્ટ ટાઈટ ટી શર્ટ પહેર્યું હતું.આતો માત્ર બે દાખલા આપ્યાં નજરે જોયેલાં. આવું તો તમને બધાને સહજ દેખવા મળતું હશે.મને મનમાં સહજ સવાલ થયો શું આજના માં-બાપને એટલો પણ ખ્યાલ નહિ આવતો હોય કે સાંપ્રત સમાજની દિશાવિહીન પ્રજાના માહોલમાં એમની ટીનએજ દીકરીઓને કેવા વસ્ત્રો પરિધાન કરાવવા જોઈએ કે પછી સ્ટેટસ સિમ્બોલની  આંધળી દોટમાં જાણીને કરે છે.આના પાછળની માનસિકતા તો એમને જ ખબર! હું પોતે ખુલ્લા વિચારોની વ્યક્તિ છું.એટલે મને ફેશન કે આવા વસ્ત્રો પહેરવા સામે કોઈ વિરોધનો સૂર નથી કે હું એને સંસ્કૃતિના પતન તરીકે પણ નથી જોતી.પરંતુ એનો મતલબ એપણ નથી કે હું અર્ધનગ્ન શરીર દેખાય એવા વસ્ત્રોની હિમાયતી છું.
               મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આંધળું અનુકરણ હંમેશા વિનાશ નોતરતું હોય છે.પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણનું ચલન આપણને અધોગતિ તરફ લઈ જઈ રહ્યું છે. કોઈ સંસ્કૃતિ ખરાબ નથી. પરંતુ પશ્ચિમ અને  પૂર્વની સંસ્કૃતિમાં માનસિક અને મેન્ટલ લેવલમાં આભ જમીનનો ફર્ક છે.આપણે માત્ર બાહ્ય રીતે આધુનિકતા અપનાવીએ છીએ , માત્ર અનુકરણ, નકલ.જ્યારે એ લોકો માનસિક, વૈજ્ઞાનિક, શૈક્ષણીક, ટેક્નોલોજી, ટેબુજ, ધાર્મિક, વૈચારિક વિગેરે સર્વાંગી રીતે આધુનિકતા અપનાવી છે.એ લોકો અંદર અને બહાર બન્ને રીતે લગભગ એકસરખું વ્યક્તિત્વ ધરાવે છે.જ્યારે આપણે એનાથી તદ્દન વિપરીત બાહ્ય અને આંતરિક રીતે અલગ વ્યક્તિત્વ ધરાવીએ છીએ.આપણે નેવું ટાકા જુઠ્ઠાબોલું અને દંભી છીએ.હજી આપણે સમજણ, બુદ્ધિશ્રમતા અને માનસિક રીતે પરિપક્વ થયાં નથી.હજી આપણે એમના લેવલ પ્રમાણે પહેલાં ધોરણમાં ભણતાં છોકરાં જેટલું જ્ઞાન અને સમજણ ધરાવીએ છીએ એવું કહીએ તો જરાય ખોટું ન કહેવાય!.આપણે હાથી જેવા છીએ બતાવવાના અને ચાવવાના અલગ દાંત લઈને ફરીએ છીએ.સારી સારી વાતો, સત્સંગ, શિખામણ બીજા માટે હોય છે. ક્યારેય પોતે અમલ કરતા નથી.એટલે તો સારું સારું વાંચન, સત્સંગો કરવા છતાં સમાજમાં કોઈ સુધારો દેખાતો નથી.
               ‎જે લોકો સ્ત્રી સ્વતંત્રતાની, આધુનિકતાની, સ્થિતિ સુધારવાની, પગભર બનાવવાની વાતો કરે છે અને ભાષણો આપે છે એવા લોકોના ઘરની સ્ત્રીઓની હાલત પણ કાચદાયેલી અને પરાવલંબી હોય છે! કારણ આપણાં સમાજમાં પુરુષજાતને બાળપણથી જ એવી શિખામણો મળે છે અને આજુબાજુ દેખતો આવ્યો છે કે સ્ત્રીઓને હંમેશા દબાવીને અને ગુલામ જ રાખવાની.સ્ત્રી પુરુષનો ભેદ ગળથુથીમાં જ ભરી દેવામાં આવે છે.જે સમાજમાં સ્ત્રીનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ ન હોય, બિચારી બાપડી જેવી દયનીય હાલત હોય, આર્થિક રીતે તદ્દન નબળી હોય, જવાબદારી અદા કરવાની ફરજ પાડવામાં આવે, પરંતુ ક્યારેય એની કોઈ ઈચ્છાને માન આપવામાં ન આવે, સ્ત્રીને માત્ર ભોગનું સાધન સમજતા હોય આવી અનેક પ્રકારની માનસિકતા ધરાવતી પ્રજા જ્યાં વસતી હોય, એ દેશના પુરુષ પાસે પશ્ચિમના પુરુષ જેટલી પરિપક્વતાની આશા રાખવી મિથ્યા છે અને એ નગ્ન સત્ય સ્વીકારવું જ રહ્યું.
               ‎સ્ત્રીના અંગ ઉપરથી એક વસ્ત્ર જો ખસી જાય તો એને જોવાવાળી હજાર આંખો હોય.ત્યાં અર્ધનગ્ન વસ્ત્રો પહેરેલી સ્ત્રી કે યુવતીને લોકો કેવી નજર અને લોલુપતાથી જુએ એમાં કોઈ અતિશયોક્તિ ન કહેવાય.તો પછી અર્ધનગ્ન વસ્ત્રો પરિધાન કરીને નીકળીએ ત્યારે આપણી સાથે કેટલાય પ્રકારના રિસ્ક હોય છે એ ન ભૂલો.અહીં સેક્સને ટેબુ માનવામાં આવે છે. ધાર્મિક રીતે પણ એ ખરાબ આવેગ છે એવું સમજાવવામાં આવે છે.પરંતુ આ પરાણે ઇચ્છાઓનું દમણ છે.એ એના મગજમાંથી ડિલિટ નથી થવાનું.જ્યારે પણ એને યોગ્ય સમય કે મોકો મળે ત્યારે એ સ્પ્રિંગની જેમ છટકીને બહાર આવવવાનું જ છે.એ માત્ર મોકા ની તલાશમાં હોય છે.આવી માનસિકતા શિક્ષિત, અભણ, મજુર, ઉચ્ચ પદાધિકારી, ધર્માધિકારી, ટીનએજ બધા જ પ્રકારના વ્યક્તિઓ ધરાવતા હોય છે.ફર્ક એટલો જ હોય કે સમાજમાં પ્રતિસ્થા અને માનસિક સમજણ હોય એવા લોકો  ચોરીછુપીથી કરે અને જેને આબરૂ- સ્ટેટ્સ જેવું કંઈ નથી એ બિન્દાસ કરતાં હોય છે.જે દેશમાં એક આઈ પી એસ કક્ષાની મહિલા રાત્રે મોડે સર્વિસ ઉપરથી આવતાં હતાં ત્યારે કેટલાંક મનચલોએ એમને પણ બાકી નથી મુક્યા. તો એક સામાન્ય દીકરી-સ્ત્રીની વાત જ શું કરવી? કારણ છે પરાણે દબાયેલી ઈચ્છાઓ અને લો એન્ડ ઓર્ડરની ખસતા હાલત. કાનૂનનો કોઈને ડર નથી.વાડ જ ચિભડા ગળતી હોય, ત્યાં દોષ કોને દેવો?બીજી મહત્વની વાત આજના પિતા, ભાઈ કે પતિએ  સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હોય, માર્શલ આર્ટ, કુંગ ફુ, કરાટે આવડતું હોય એવા કેટલા ટકા લોકો હશે? વિચારો ચાર લુખ્ખા તત્વો આવે તો એ શું બચાવ કરી શકશે? બીજી મહત્વની વાત એ છે કે મહાભારતકાળમાં પણ જ્યારે ભરસભામાં દ્રૌપદીની ઈજ્જત લુંટાતી હતી ત્યારે પણ જો ઉપસ્થિત ભલભલા ધુરંધરોએ કોઈ વિરોધ કે બચાવમાં આવ્યું નહતું.તો આજની સ્વાર્થી અને નમાલી પ્રજાની તો વાત જ શું કરવી? 
               ‎ઘણીવાર લોકો પોતાની અંદર રહેલા ખાલીપા ભરવા માટે તથા પોતાના અહમને પોષવા માટે અનેક ટ્રાગાઓ કરતા હોય છે.જેમ કે સામાજિક પ્રસંગમાં લખલૂટ ખર્ચો કરવો, મોંઘીદાટ ગાડી ખરીદવી, ફોરેન ટુર જવું.એમાં સ્ટેટસ બતાવવા અને અમે સુધરેલાં છીએ એવું બતાવવા ટૂંકા વસ્ત્રો પહેરવાં પણ સામેલ છે.માં -બાપ કેમ સમજતા નથી કે આવું કરીને એ પોતાના પગ ઉપર જ કુહાડી મારી રહ્યા છે.વણમાગી આફત વ્હોરી રહ્યા છે.એવું નથી કે માત્ર ટૂંકા વસ્ત્રો છેડતી અને બળાત્કાર માટે જવાબદાર છે.પરંતુ આ આગમાં ઘી હોમવાનું કામ ચોક્કસ કરે છે.જ્યારે કોઈ દીકરી જોડે બળાત્કાર જેવો અમાનવીય હાદસો બનતો હોય છે ત્યારે એ દીકરીની જિંદગી બરબાદ થઇ જાય છે.શારીરિક ઘાવ તો રૂઝાય જાય છે પરંતુ માનસિક ઘાવ જીવનભર નાસૂર બનીને રહે છે.જે એને ચેનથી જીવવા નથી દેતું.આજ લોકો જે આધુનિકતાનો ઢોંગ કરે છે તેમાંથી કોઈ તમારી દીકરીનો હાથ એમના દીકરા માટે માંગશે નહીં એટલું યાદ રાખજો.પછી પસ્તાવા સિવાય કાઈ જ બચતુ નથી. સ્ત્રીઓએ પણ એ સમજવાની જરૂર છે કે શું આપણું શરીર બીજા માટે  જાહેરમાં નુમાઇસ કરવા માટે છે? શું શરીરના અંગોનું પ્રદશન કરવું એજ સુંદરતાનું માપદંડ છે? દોષ ટૂંકા વસ્ત્રોમાં નથી પરંતુ આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાંના લોકોની 'હુમન સાયકોલોજી' સમજીને જ જીવવું અને રહેતાં શીખવું જરૂરી છે.
               ‎આધુનિક થવું જ હોય તો માનસિક, વૈચારિક, જ્ઞાન, સમજણ, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન, શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સામાજિક બદીઓથી મુક્તિ, આત્મા અને અંદરથી સ્વયમનો વિકાસ કરો, મગજથી આધુનિક બનો, નવા વિચારો અપનાવો, મગજનો ફાલતુ કચરો ફેંકો, શારીરિક રીતે સક્ષમ બનો,  નકામા કામોમાં એનર્જી વેસ્ટ ન કરો.જેની પાસે બાહ્ય સુંદરતા હોય પરંતુ જો ઉપર મુજબના ગુણોનો છાંટો પણ નહીં હોય તો એનો કોઈ અર્થ નથી.એનું કોઈ મ્યુઝીયમમાં મુકેલી સુંદર મૂર્તિથી વિશેષ કોઈ સ્થાન નથી.લોકો તમારી સુંદરતાને કામ અને ભોગની રીતે જ જોતા હોય છે.તમારી પાસે ઇનર બ્યુટી હશે તો ખોટાં વ્યક્તિ તમારી આસપાસ પણ ફરકી શકશે નહીં.
                      વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ અપીલિંગ હોવું જોઈએ નહીં કે બાહ્ય દેખાવ.
                            શબ્દ અને વિચાર...
                                       નિતુનિતા....

Gujarati Whatsapp-Status by Nita Patel : 111023306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now