વાંચવા જેવું... 👌🏼
*"જિંદગી તેરા જુલ્મ તો દેખ જરા જિનકે પાસ જૂતે નહીં ઉનકો ચલના બહુત હૈ........"*
ડો. દિવાકર જોશી ક્લિનિકનું કામ પતાવીને બપોરે ઘરે આવ્યા ત્યારે બપોરના અઢી વાગવા આવ્યા હતા. બંગલાના ઝાંપા પાસે કાર પાર્ક કરીને તેઓ બંગલામાં પ્રવેશ્યા. પ્રવેશદ્વાર ખુલ્લું જ હતું. દીકરીનું લગ્ન નજીક આવી રહ્યું હતું. એટલે ઘરનું રિનોવેશન ચાલતું હતું. કારીગરોની અવરજવર ચાલુ જ હતી. એટલે બારણાં સવારથી સાંજ સુધી ખુલ્લાં જ રહેતાં હતાં.
ડો. જોશીએ પોતાની વિઝિટિંગ બેગ સોફા ઉપર મૂકી દીધી. પછી કિચનની દિશામાં મોં કરીને કહ્યું, ‘વસુધા, હું આવી ગયો છું. તું થાળી પીરસ એટલી વારમાં હું ઉપરના માળે જોઇ આવું કે કારીગરોનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે?’
ફર્સ્ટ ફ્લોર પર ચાર બેડરૂમ્સ હતા. એક બેડરૂમનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું. બીજામાં ફર્નિચર તૈયાર થઇ રહ્યું હતું. દીકરાના બેડરૂમમાં પડદા લાગી રહ્યા હતા. દીકરીનો બેડરૂમ આજે સાંજ સુધીમાં તૈયાર થઇ જવો જોઇતો હતો. માત્ર કલરકામ જ બાકી હતું. સવારે ક્લિનિકમાં જતી વખતે ડો. જોશી કલરકામવાળી ટીમને તાકીદ કરીને કહેતા ગયા હતા, ‘આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ રૂમ તૈયાર થઇ જવો જોઇએ. કામમાં જરા ઝડપ રાખજો.’
ડો. જોશી ચોથા બેડરૂમમાં દાખલ થયા. જે દૃશ્ય જોયું તે જોઇને એમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. બે છોકરાઓ ગાયબ હતા અને મુખ્ય કારીગર રમેશ ખુરશીમાં બેસીને વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. રમેશ એ પુસ્તકમાં એટલો ખોવાઇ ગયો હતો કે રૂમમાં કોઇ આવ્યું છે એનું એને ભાન પણ રહ્યું નહીં. ડો. જોશીએ ત્રાડ પાડી, ‘આ શું માંડ્યું છે? મારા ઘરને લાઇબ્રેરી સમજી બેઠો છે? કામ કરવાનું પડતું મૂકીને આ થોથું વાંચવા બેસી ગયો? ક્યાં ગયા તારા બે આસિસ્ટન્ટ?’
સામાન્ય સંજોગોમાં ઘરધણીના ગુસ્સાને જોઇ-સાંભળીને કોઇ પણ કારીગર ડઘાઇ જાય, ફફડી જાય, ડરી જાય અને માફી માગવા લાગે. ‘માફ કરો સાહેબ, મારી ભૂલ થઇ ગઇ. હવે આવું નહીં કરું. આ તો જમ્યા પછી બે ઘડી સમય પસાર કરતો હતો.’ વગેરે... વગેરે!
પણ રમેશે આમાંનું કશું જ કહ્યું નહીં. એના ચહેરા પર ખુશીની લહેર પથરાઇ ગઇ હતી. એના બોલવામાં ઉત્સાહ હતો. પોતે કલરકામનો સામાન્ય કારીગર હોવાને બદલે કોલેજનો વિદ્યાર્થી હોય અને એના સહાધ્યાયીને કહેતો હોય તેવી રીતે બોલવા લાગ્યો, ‘સાહેબ, તમે આ બુક વાંચી છે? કેટલી અદ્્ભુત છે! સ્વામી આનંદનું આ પુસ્તક ‘ધરતીની આરતી’ ભાગ્યે જ કોઇના ઘરમાં જોવા મળે છે. મેં વર્ષો પહેલાં એ વાંચ્યું હતું. આજે અચાનક આ કબાટમાંથી હાથ લાગ્યું. બીજા બંને છોકરાઓ નાસ્તો કરવા માટે બહાર ગયા છે. હું આ શબ્દચિત્રો વાંચવા માટે અહીં જ રોકાઇ ગયો.’
સ્તબ્ધ થઇ જવાનો વારો હવે ડોક્ટર જોશીનો હતો. સ્વામી આનંદ? ધરતીની આરતી? શબ્દોચિત્રો? આવું બધું તો જિંદગીમાં એ પહેલી વાર સાંભળી રહ્યા હતા. એમની યુવાનીનાં સાડા ચાર વર્ષ એનેટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી, ફાર્મેકોલોજી અને મેડિસિનનાં થોથાં વાંચવામાં જ ખર્ચાઇ ગયાં હતાં અને એ પછીનાં 25 વર્ષ આયખાને નોટો છાપવાના મશીનમાં પરિવર્તિત કરવામાં ચાલ્યાં ગયાં હતાં. આ પુસ્તક એમના ઘરમાં કોણ વાંચતું હશે? દીકરી તૃષા? આ એ જ વાંચતી હોવી જોઇએ. એ ગુજરાતી સાહિત્યમાં ડોક્ટરેટ કરી રહી છે. 1500-2000 પુસ્તકો કબાટમાં સંઘરીને બેઠી છે. પોતે તો ક્યારેય એક પણ ચોપડીનું એક પણ પાનું ઉઘાડ્યું નથી.આજે પહેલી વાર એને આ એક બુકનું નામ જાણવા મળ્યું અને એ પણ દીકરી પાસેથી નહીં, પણ આ કલરકામના કારીગર પાસેથી. ડો. જોશીએ નરમાશથી પૂછ્યું, ‘રમેશ, તું નાસ્તો કરવા ન ગયો?’, ‘ના, સાહેબ. મારે તો આ પુસ્તક એ જ મારું ભોજન. એક ટંક જમીશ નહીં તો મરી નહીં જાઉં, પણ આવી સરસ બુક ફરી ક્યારે...?’
ડો. જોશીએ એના ખભે હાથ મૂક્યો અને કહ્યું, ‘આજે તને ભોજન પણ મળશે અને પુસ્તક પણ. ચાલ, હાથ ધોઇને જમવા બેસી જા. આપણે બંને સાથે જમીશું. મારે તારી સાથે વાતો કરવી છે.’
રમેશના ચહેરા ઉપર અવઢવ ઝબકીને વિલાઇ ગઇ. ‘પણ સાહેબ, આ બુક...?’
ડો. જોશીએ હસીને એનો હાથ ખેંચ્યો, ‘એ બુક તું ઘરે લઇ જજે. શાંતિથી વાંચીને પાછી આપી દેજે. મારી દીકરીના કબાટમાં તો સાહિત્યનો ખજાનો પડ્યો છે. તને જે પુસ્તક ગમે તે વાંચવા માટે લઇ જજે.’
એક જ ડાઇનિંગ ટેબલ પર ડો. જોશી અને રમેશ સાવ સામે જમવા બેસી ગયા. ડો. જોશીને આ યુવાનમાં રસ પડ્યો હતો. એમણે પૂછ્યું, ‘ક્યાં સુધી ભણ્યો છે? દસમું ધોરણ પાસ કે નપાસ?’,
‘એમ. એ. પાર્ટ-1 વિથ ગુજરાતી લિટરેચર.’
રમેશે જે જવાબ આપ્યો એ સાંભળીને ડો. જોશી સ્તબ્ધ થઇ ગયા. જમણા હાથમાં લીધેલો કોળિયો હાથમાં જ રહી ગયો. આ મેલોઘેલો યુવાન આટલું ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ ડિગ્રી સુધી જઇને પાછો ફર્યો હતો? ચોક્કસ કોઇ કારણ હોવું જોઇએ. ગરીબ માણસોનાં કારણોમાં મહત્ત્વનું કારણ એક હોય છે: એમની ગરીબી. ડો. જોશી ધારી ધારીને રમેશને જોઇ રહ્યા. સુકલકડી શરીર, ખાડા પડી ગયેલા ગાલ, રંગના છાંટણાવાળાં કપડાં, વાળ અને એવો જ ચહેરો. જે હાથમાં ક્યારેક મુનશી, મેઘાણી, પન્નાલાલ, ધૂમકેતુ અને ઉમાશંકર જેવાનાં પુસ્તકો રહ્યાં હશે એ જ હાથમાં અત્યારે કલરકામનું બ્રશ?!? ભોજન કરતાં કરતાં ડો. જોશીએ ઘણુ બધું જાણી લીધું. રમેશ સાવ ભીખમંગા પરિવારનું ફરજંદ ન હતો. એના પિતા કડિયાકામ કરતા હતા.
પછી બીમારીના કારણે એ ચૂનો ધોળવા માંડ્યા. પાંચ સંતાનોમાંથી સૌથી મોટા રમેશને ભણાવી ગણાવીને સારી નોકરીમાં લગાડી દેવાની એમની નેમ હતી. રમેશ ભણવામાં હોશિયાર હતો. દર વર્ષે ફર્સ્ટ ક્લાસ લઇ આવતો હતો. એ જ્યારે એમ. એ.ના પ્રથમ વર્ષમાં હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. પરિવારની જવાબદારી એના પર આવી પડી. એમ. એ.નું બીજું વર્ષ રહી ગયું. એણે બાપનું કામ અપનાવી લીધું. ચૂનો લગાવવાનો કૂચડો નહીં, પણ કલરકામનું બ્રશ પકડી લીધું. પરિવારનું ગુજરાન ચાલી જતું હતું.
‘સાહેબ, મને કોઇ જ વાતનો અફસોસ નથી, પણ ક્યારેક કોઇ મેગેઝિન કે નવલિકાસંગ્રહ કે નવલકથા હાથમાં આવી જાય છે તો મારું મન કૂદીને મારા કોલેજકાળમાં પહોંચી જાય છે.’
રમેશની વાત સાંભળીને ડો. જોશીએ પૂછ્યું, ‘મારા દવાખાનામાં સવાર-સાંજ બબ્બે કલાક કામ કરવા આવીશ? હું તને ઘર ચાલી શકે એટલે પગાર અવશ્ય આપીશ, પણ એક શરત તારે એમ. એ.નું બીજું વર્ષ પૂરું કરવું પડશે.’
રમેશે તરત જ હા પાડી દીધી. બીજા દિવસથી જ એ ક્લિનિક પર જોડાઇ ગયો. આજે એ વાતને પાંચ વર્ષ થઇ ગયા છે. કલરકામનો કારીગર રમેશ એમ. એ., બી. એડ. થઇને કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઇ ગયો છે. હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતી સાથે પરણી ગયો છે. એના કાબરચીતરા વાળ હવે વ્યવસ્થિત થઇ ગયા છે. ગાલના ખાડા ભરાઇ ગયા છે. રંગબેરંગી છાંટણાવાળા પેન્ટ-શર્ટની જગ્યાએ વ્યવસ્થિત વસ્ત્રો આવી ગયાં છે અને રોજ કોલેજના વર્ગખંડમાં ડાયસ પર ઊભો રહીને એ સો-સો સ્ટુડન્ટ્સના સમૂહને રમેશ પારેખની કવિતાઓ ભણાવતો હોય છે ત્યારે જોનારના મનમાં સવાલ જાગે છે કે કલરકામનો મોટો કારીગર ખરેખર કોને ગણવો? આસમાનમાં બેઠેલા સર્વોચ્ચ કલાકારને? કે પછી રમેશની અંદર રહેલા અસલી રંગને નિખારી આપનાર ડો. જોશીને?
લેખક. ડો. શરદ ઠાકર
!! શુભમ અસ્તુ !!