#મિત્રતા_કોને_કહેવાય ?
મને મિત્રો બનાવવા ખૂબ જ ગમે છે. પણ જો રોજ જ વાત કરવી પડે, કે રોજ જ એકબીજાના ખબર અંતર કાઢવા પડે તો મારુ મન અને મગજ બન્ને કામ કરતા બંધ થઈ જાય.
મારે અમુક ખાસ મિત્રો છે જીવનમાં. જ્યાં અમે વર્ષમાં એક વાર કે બહુ બહુ તો ત્રણ ચાર વખત વાત કરતા હોઈશું. પણ છતાં જ્યારે મળીએ કે વાત કરીએ ત્યારે આત્મીયતા હોય. આત્મીયતા રોજ રોજ વાત કરવાથી ઓછી થઈ જતી હોય છે. એટલું જ નહિ, પણ વધુ મિત્રતા, ક્યારેક મર્યાદા ઓળંગવા લાગી જાય છે, બન્ને પક્ષે.
આ વાત ખાલી મિત્રતા માટે જ નથી, પણ આપણા નજીકના સંબંધો માટે પણ લાગુ પડે છે. જેટલા ગાઢ થતા જશો, એટલી લક્ષ્મણ રેખાઓ ઓળંગતી જશે. ઘણી વખત ગાઢ મિત્રતા હોવા છતાં, કામના સમયે જ્યારે રુક્ષતા બતાવે ત્યારે ખૂબ દુઃખ થાય. પણ જો માણસના આ સ્વભાવને સ્વીકારી લીધુ હોય તો તકલીફ ઓછી થાય.
જે સમયે આપણને ખાસ જરૂર હોય, ત્યારે મિત્ર હોય કે સંબંધી હોય, જો મદદ ના કરે, ત્યારે ત્યાં અપેક્ષાભાવ સંપૂર્ણ મૂકી દેવાનો અને ત્યાં ફક્ત મિત્ર તરીકે જ સંબંધને જાળવી રખાય પછી.
સંબંધોને ખુલ્લી આંખે જોતા શીખવું જોઈએ. મિત્રતામાં કોઈને ગૂંગળામણ થાય એવુ વર્તન ક્યારેય ના થાય. મારા એટલા બધા મિત્રો એવા છે કે જે લોકો મારી જોડે પહેલી વખત વાત કરે તો પણ એમના જીવનની કિતાબ ખોલી નાંખે છે. કારણ એટલુ જ કે એમને મારા ઉપર ભરોસો હોય છે કે નથી હું એમને જજ કરતી કે નથી હું બીજી વાર ફોન કરવાનો આગ્રહ રાખતી. દુનિયામાં સૌથી વધુ મહત્વનું છે ભરોસો. અને એમાં પણ જ્યારે કોઈએ આપણા ઉપર ભરોસો મૂક્યો હોય, ત્યારે તો તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે કે ક્યારેય એમનો વિશ્વાસઘાત ના થાય.
બીજુ, જ્યારે મિત્રને જો તમારા મનની વાત કરવા માટે અથવા એમની કોઈ વાત ના ગમી હોય ત્યારે એક સેકન્ડનો પણ વિચાર કરવો પડે તો સમજી લેવાનું કે ત્યાં મિત્રતાનું ભીનું સંકેલવાનો સમય પાકી ચૂક્યો છે. મિત્ર પ્રેમ ખૂબ અદ્ભુત અહેસાસ છે. જો બન્ને બાજુથી એકસરખો સચવાય તો.
#H_R
#Mitra_Relation_Platform ✍️