Quotes by Anjana Bhavsar in Bitesapp read free

Anjana Bhavsar

Anjana Bhavsar

@prvnwzvq5103.mb


જોર એની યાદનું એથી જ તો બમણું થયું
વાયરો વાસંતી ઉદ્દીપક થઈ આવી ચડ્યો

અંજના ભાવસાર 'અંજુ'

છે સ્નેહ, સ્મિત, શરારત, શરમની રંગોળી
ને એવી આંખ તમે મારી આંખમાં ઘોળી

મીઠાશ આપતી રહેતી 'તી, જેમ વાગોળી
જતા જતા તમે આપી સ્મરણની જે ગોળી

જડ્યું શું તમને કશું? જોયું જ્યારે ફંફોળી
તમે અમસ્તી ભરી રાખી વહેમની ઝોળી

પછી ના સળવળી ઇચ્છા, મેં જોઈ ઢંઢોળી
જવાબદારીની, સામે જો આવી ગઈ ટોળી!

અહા! શું સાંજ સજી છે પીળી પીઠી ચોળી
હટે જો લટ જરા તો ચાંદ મારો લઉં ખોળી

અંજના ભાવસાર 'અંજુ'

Read More

Its raining in Mumbai..

ધીમો વરસાદ, રમતી ગાલે લટ 'ને હોઠ પર ઝાકળ
તું મારી પાસ હોવાની સહજ હૈયે થતી અટકળ
નથી તું આવતો, બસ આવવાના આવે છે વાવડ
ફરી તરસી રહેશે ઓણ પણ, સાજન મિલનની પળ?

અંજના ભાવસાર 'અંજુ'

Read More

અભાવો જેટલા છે એ બધા એક પળમાં વિસારું
સભર જયારે કરે આવીને કોઈપણ સ્મરણ તારું

જો એને પહેરું તો દેખાઉં એવી, જેવી હું ધારું
ને એથી સ્મિતને હોઠો ઉપરથી ના જ ઉતારું 

ખીલે છે મારો ચહેરો વાંચીને તારી ગઝલ જયારે 
બગીચે થાય અટકળ, ક્યાંથી આવ્યું ફૂલ આ પ્યારું?

છે અણસમજુ હજી સમજણ, ન એની વાત હું માનું
તને ભૂલી જવાની હઠ કરે, પણ હું ન ગણકારું

છુપાવી હોય હૈયે, આંખમાં એ તોય આવી જાય
ઉદાસીને હવે દફનાવવી ક્યાં એ જ વિચારું!

અંજના ભાવસાર 'અંજુ'

Read More

અવિરત આટલું અટક્યા વિના વરસ્યું કદી ક્યાં છે?
શું લીધી પ્રેરણા આ વાદળે યાદોની પાસેથી?

અંજના ભાવસાર 'અંજુ'

Read More

છે સ્વાભાવિક, મને ગુમાન મારા રૂપનું જો થાય
બધા કાજળ લગાવે ને સ્મરણ હું તારા આંજું છું

અંજના ભાવસાર 'અંજુ'

Read More

કવિ શ્રી શ્યામ સાધુની પંક્તિ પરથી તરહી - મુસલસલ ગઝલ

આંખોમાં તારી પણ, પછી સ્થાયી ઝરણ હતું
*મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?*

અધવચ્ચે છોડીને ગયો છું જાણ છે મને
ઢસડાયો છું, ક્યાં જાતે મૂક્યું મેં ચરણ હતું!

આગળ વધ્યો તો હાથ છતાં ક્યાં અડી શક્યો?!
વચ્ચે ત્વચા 'ને સ્પર્શની એક આવરણ હતું

મારા ગયા પછી તને એ ખૂબ ચાહશે
વસિયતમાં તારે નામ લખ્યું જે સ્મરણ હતું

ઈચ્છા તો થાય સ્વપ્નમાં મળવાની રોજ રોજ
પણ આંખના નસીબમાં બસ જાગરણ હતું

અંજના ભાવસાર 'અંજુ'

Read More

Share

હો સ્મરણનું તેજ એવું કે જીવન અજવાળીએ
ચાલ સાજન એક એવી સાંજ સાથે ગાળીએ

બે હૃદયને જોડવા આંખોમાં સંવેદન ભરી
આંગળાઓને પરોવી મજબૂતીથી વાળીએ

આખરે ભેટી પડી બંને તરફની લાગણી
ક્યારની અટકાવી'તી જેને શરમની પાળીએ

ના શરત કોઈ નથી, પણ છે સમજ, સાબિત થશે
જે નથી આપ્યા કદી એવાય વચનો પાળીએ

અન્ય કોઈ કામમાં જયારે ન સહેજે લાગે મન
ત્યારે રુઝાયેલા જખ્મો ખોતરી પંપાળીએ

ખિલખિલાટ એ પણ હસી પડશે, મને છે ખાતરી
બાળ જેમ ઉદાસીને પણ લાડથી ઉછાળીએ

અંજના ભાવસાર 'અંજુ'

Read More

બીજું તો કશું ક્યાં હવે એ ગમાડે?
ચડ્યું જ્યારથી દિલ પ્રણયના રવાડે.

તું જીવનનું એક એક પાનુ ઉઘાડે,
વળી લાગણીનો લીસોટો ય પાડે.

છે સંજીવની, દર્દ સઘળું મટાડે,
ભરી ચૂમી ભાલે તું જ્યારે ઉઠાડે.

હૃદય ભરતું પહેરો નયનને સીમાડે,
છતાં યાદો આંસુની ઝાલર લગાડે.

ડુમા સાચવી, સ્મિત હોઠે રમાડે,
અભિનય, અદા, વાહ ! અચરજ પમાડે.

લખું જો ગઝલ તો તરત આવે આડે,
સ્મરણ એ પછી રાત આખી જગાડે.

સહજ આંગળી જો કદી તું અડાડે,
કહું કઈ રીતે, સ્પર્શ તારો દઝાડે!

અંજના ભાવસાર 'અંજુ'

Read More