છે સ્નેહ, સ્મિત, શરારત, શરમની રંગોળી
ને એવી આંખ તમે મારી આંખમાં ઘોળી
મીઠાશ આપતી રહેતી 'તી, જેમ વાગોળી
જતા જતા તમે આપી સ્મરણની જે ગોળી
જડ્યું શું તમને કશું? જોયું જ્યારે ફંફોળી
તમે અમસ્તી ભરી રાખી વહેમની ઝોળી
પછી ના સળવળી ઇચ્છા, મેં જોઈ ઢંઢોળી
જવાબદારીની, સામે જો આવી ગઈ ટોળી!
અહા! શું સાંજ સજી છે પીળી પીઠી ચોળી
હટે જો લટ જરા તો ચાંદ મારો લઉં ખોળી
અંજના ભાવસાર 'અંજુ'