બીજું તો કશું ક્યાં હવે એ ગમાડે?
ચડ્યું જ્યારથી દિલ પ્રણયના રવાડે.
તું જીવનનું એક એક પાનુ ઉઘાડે,
વળી લાગણીનો લીસોટો ય પાડે.
છે સંજીવની, દર્દ સઘળું મટાડે,
ભરી ચૂમી ભાલે તું જ્યારે ઉઠાડે.
હૃદય ભરતું પહેરો નયનને સીમાડે,
છતાં યાદો આંસુની ઝાલર લગાડે.
ડુમા સાચવી, સ્મિત હોઠે રમાડે,
અભિનય, અદા, વાહ ! અચરજ પમાડે.
લખું જો ગઝલ તો તરત આવે આડે,
સ્મરણ એ પછી રાત આખી જગાડે.
સહજ આંગળી જો કદી તું અડાડે,
કહું કઈ રીતે, સ્પર્શ તારો દઝાડે!
અંજના ભાવસાર 'અંજુ'