The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બગડેલી બાજી સુધારી શકે એ હોશિયાર. કૈંક સારું કોઈનું વિચારી શકે એ હોશિયાર. જેવા સાથે તેવા એ તો દુન્વયી નિયમ છે, બાણાવેણને પણ ભૂલી શકે એ હોશિયાર. દોષો બીજાના તો દરેકને દેખાય નિરંતર, અવગુણો પોતાના ટાળી શકે એ હોશિયાર. કૌવત કાંડાનું પરિણામનેય બદલી શકે છે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણી શકે એ હોશિયાર. હિસાબોની દુનિયામાં પ્રેમ ગૂંગળાતો રહ્યો, ગરજવિણ સ્નેહ વહાવી શકે એ હોશિયાર. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર
શરણ શિવજીનું સ્વીકારી તું જો. શિવ જેવા દાની ધારી તું જો. પંચાક્ષરે એ રીઝનારા, લોટા જળ તુષ્ટ થનારા. એવા આશુતોષને આવકારી તું જો....1 ટાળે લેખ વિધિના એ શિવજી, લેને અંતરથી એને ભજી. ભોળાનાથને દિલથી પોકારી તું જો...2 માંગ્યું વરદાન એ દેનારા, નથી ભેદભાવ મારા તારા. એવા કૈલાસપતિને સંભારી તું જો...3 કોટિ જન્મોનાં પાપો પ્રજાળે, ફેરો ચોરાસીનો ટાળે. શ્વાસેશ્વાસે એને વિચારી તું જો..4 ભાવ હૈયાના દેખી હરખે, આરઝૂ અંતરની પરખે. રટી શિવને જીવન શણગારી તું જો..5 - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
અવની આંગણ આજે પધારો, સદાશિવ શંકર ભોળા. દ્યોને દરશનનો શિવજી લ્હાવો, સદાશિવ શંકર ભોળા. આવ્યો શ્રાવણ માસ પુનીત, ભજીએ ભાવે નિતનિત. "હરહર મહાદેવ"નો છે નારો, સદાશિવ શંકર ભોળા આવો કરીને નંદીની સવારી, તમારાંને શિવ તમે સંભારી. સંગે માત ભવાનીને લાવો, સદાશિવ શંકર ભોળા. પંચાક્ષરે રહી ભક્તિ અમારી, મહાદેવ ગુણદોષ વિસારી. ભૂતલે ભોળાનાથને આવકારો, સદાશિવ શંકર ભોળા. કૈંકને તાર્યા પાપીને પ્રપંચી, તવપ્રતાપે તર્યા એ તો હરજી ભવજળમાં બતાવો કિનારો, સદાશિવ શંકર ભોળા. તમને સર્વસ્વ રહ્યા અમે ધારી, કેટલા ઉધાર્યા એક શું ભારી પાપો પ્રજાળી આપોને સહારો, સદાશિવ શંકર ભોળા. જન્મોજન્મ રહે સ્મરણ તમારું, હરપળ હરજીને સંભારું, આટલું અમને દિલાવર આપો, સદાશિવ શંકર ભોળા. છે ' દીપક' ની અંતર અરજી, રીઝો કલ્યાણકારી હરજી. યાદ તમારી ઉરમાંહી સ્થાપો, સદાશિવ શંકર ભોળા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
અહીં શબ્દોને રમાડે છે કોઈ. અહીં શબ્દોને ગમાડે છે કોઈ. શબ્દ અર્થની પળોજણ કેવી! અર્થને જ સર્વસ્વ માને છે કોઈ. માણસે માણસે અર્થ હોય જુદા, જેવાં મન પોતાનાં ઘટાવે છે કોઈ. એક જ શબ્દની અસર જુદીજુદી, આરોહ અવરોહ ગણાવે છે કોઈ. શબ્દ અર્થથી હોય પર પરમેશને, ઈશને પોતા જેવા ધારે છે કોઈ. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
અંતરે દીપ પ્રગટાવો પ્રભુજી. જીવનજ્યોત જગાવો પ્રભુજી. છું માયાગ્રસ્ત હું માનવી, મારી વાત તમને શું કહેવી? માનવતા મુજમાં જગાડો પ્રભુજી..1 કરું પ્રાર્થના હું તો તમારી, શબ્દો તમારા સ્તુતિ મારી. વિયોગે નયન ઊભરાવો પ્રભુજી...2 આવ્યો શરણે દોષો કબૂલી, કરીને વાત હૃદયની ખુલ્લી. ભક્તિ જીવનમાં સંચારો પ્રભુજી..3 વૃથા ગુમાવી જિંદગી મેં મારી, પૂજા પ્રાર્થના ભૂલ્યો તમારી. રહી જિંદગીને શણગારો પ્રભુજી...4. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
દ્યોને દરશન હે ત્રિપુરારિ. દ્યોને દરશન કરુણાકારી. આવ્યો શરણે દીનતા લાવી. મહાદેવ રહ્યો તમને મનાવી. સ્વીકારોને આરઝૂ કલ્યાણકારી...1 ભૂલો હરજી ભૂલો અમારી, એક આશા અમને તમારી. આવકારોને, આશુતોષ ભયહારી..2 શરણાગત શિવ દ્વારે આવ્યો, ભક્તવત્સલતામાં જીવ ફાવ્યો. રીઝોને, ભોળાનાથ દુઃખહારી.....3 - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
સર્વદા સૌને સદાચાર શીખવો ગુરુજી. માણસને સાચા માનવ બનાવો ગુરુજી. જીવન અમારું સોંપી દીધું છે ગુરુવર, જિંદગીમાં સત્ય સદા પ્રગટાવો ગુરુજી. રાહ ભૂલેલા છીએ પથિક અમે ધપતા, બનીને દીવાદાંડી માર્ગ બતાવો ગુરુજી. માયા પ્રતાપે સદાચાર ભૂલી ભટક્યા, પથ પરમેશનો અમને દર્શાવો ગુરુજી. પામીશું ઈશ્વરને સત્કાર્યો સદાયે કરી, તમારી અમી નજર વરસાવો ગુરુજી. અમારે તો ઈશથી અધિક છો આપને, ચરણોના દાસ અમને બનાવો ગુરુજી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
મેં તમને યાદ કરી લીધા તમારા વગર. મેં તમને સાદ કરી લીધા તમારા વગર. હતી ગેરહાજરી તમારી તેથી શું થયું, મેં વળી વિષાદ કરી લીધા તમારા વગર. સ્મૃતિપટલે હાજરી તમારી હો અવિરત, મેં તો પૂજ્યપાદ કરી લીધા તમારા વગર. શારીરિક હાજરીનું બંધન નથી ખપતું. એમાંથી આઝાદ કરી લીધા તમારા વગર. આશાને ઓરતાની યાદી છે અકબંધ, મેં તો મનમુરાદ કરી લીધા તમારા વગર. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
ધરાને ધગતી ધગતી એણે ધારી, આભેથી ઊતર્યાં અમી શાં વારિ. સોડમ માટીની આવી બધે ભારી, આભેથી ઊતર્યાં અમી શાં વારિ. દીધાં નદી તળાવને છલકાવી, દીધી મહીને જાણે કે મનાવી. ઊઠ્યા મયૂરો કેવા કેવા પોકારી, આભેથી ઊતર્યાં અમી શાં વારિ. ગાજવીજથી નભને ચમકાવી, દીધો આતપ ગ્રીષ્મનો ભૂલાવી. ૠતુની રાણી સહુએ સ્વીકારી, આભેથી ઊતર્યાં અમી શાં વારિ. દીધો જગના તાતને હરખાવી, અગન અવનીની દીધી બુઝાવી. વ્યોમે ઇન્દ્રધનુ દીધું શણગારી, આભેથી ઊતર્યાં અમી શાં વારિ. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
સત્યને " આ સત્ય છે " એમ કહેવું પડે એ પણ કરુણતા. ને સત્યવાદીએ હંમેશાં એકલા રહેવું પડે એ પણ કરુણતા સર્વવિદિત છે કે ખરને ડફણાંના પ્રહારો ખમવા પડે સદાય, પણ ગજનેય અંકુશ વારંવાર સહેવું પડે એ પણ કરુણતા. કામ હોય ઓફિસનું કે સરકારી કરાવવાનું કદીએ આપણે, ને ટેબલ નીચેથી અધિકારીને કૈં દેવું પડે એ પણ કરુણતા. હોય સિંહ જેવો માટી હરહંમેશાં ગર્જના કરીને જીવનારો, એણે પણ અધિકારીનું ખોટું કહ્યું કરવું પડે એ પણ કરુણતા. ક્યારેક ન મળે સફળતા પ્રબળ પુરુષાર્થ કર્યા પછીએ પણ, ત્યારે પ્રારબ્ધને જ સર્વોપરી બસ માનવું પડે એ પણ કરુણતા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser