ઈસ્લામિક સ્ટોરી 12
યોમુઝઝીનાના જ દિવસે એટલે કે મિસરના રાષ્ટ્રીય ઉત્સવના દિવસે ફિરઓને જાદુગરો અને મુસાનો મુકાબલો
ગોઠવ્યો હતો.આ દિવસે આ મુકાબલો રાખવાનું એટલા માટે આયોજન કર્યું હતુ ફિરઓને કે અગર તમામ રાષ્ટ્રના લોકોની સામે જો પયગમ્બરીનો દાવો કરનાર મુસાનો પોતાના જાદુગરોની સામે પરાજય થાય તો જે લોકો મનોમન મૂસાના પાછા આવવાથી ખુશ થયા હતા એવા લોકોને સબક મળે.અને પોતાની સર્વપરિતા બરકરાર રહે.
અને જે લોકો હજી સુધી પોતાને સર્વ શક્તિમાન નથી માનતા કે સમજતા એ લોકો ઉપર પણ પોતાનુ પ્રભુત્વ સ્થાપિત કરી શકાય.
અને આખરે એ યૌમુઝઝીનાનો દિવસ પણ આવી ગયો.એક વિશાળ મેદાનમા ફિરઓને પોતાના જાદુગરોને એકઠા કર્યા હતા.મિસરના તમામ નાના મોટા. નામી ગરામી જાદુગરો એ લાલચે આવ્યા હતા કે જો તેઓ મુસાને આ થનારી પ્રતિયોગીતામા હરાવી દે તો ફિરઓન તરફથી મોટા ઈનામની એમને લાલસા હતી અને એજ ઈનામની લાલચે એ લોકો અહીં આવ્યા હતા. પણ તેઓની સામે હતા અલ્લાહના રસુલ હઝરત મુસા પોતાના ભાઈ હારુન સાથે.
એક તરફ જાદુગરો જાદુ કરવાના હતા.તો જ્યારે બીજી તરફ થવાનો હતો સત્ય અને અલ્લાહનો મોઝીઝો.
અને જીત તો થવાની હતી હંમેશાની જેમ સત્યની અને અલ્લાહની.
હકડેઠઠ મેદની ચારે તરફ ગોઠવાઈ ગઈ હતી.ફિરઓન પોતાના સિંહાસન પર આવીને બેસી ગયો હતો.તમામ જાદુગરો મેદાનમા આવી ચૂક્યા હતા. અને હઝરત મુસા પોતાના મોટા ભાઈ હારુન સાથે જાદુગરોનો મુકાબલો કરવા તૈયાર ઉભા હતા.
જાદુગરોના સરદારે મુસાને પુછ્યુ.
"તુ અમારો મુકાબલો કરીશ?"
"ચોક્કસ.કારણકે અલ્લાહ મારી સાથે છે."
મુસાએ અડગતા પુર્વક જવાબ આપ્યો.
"ઠીક છે.તો પહેલા તુ તારો જાદુ દેખાડે છે કે અમે દેખાડીએ?"
જાદુગરોના સરદારે કહ્યુ.
"જાદુ તો તમારે દેખાડવાનો છે.મારી પાસે કોઈ જાદુ નથી.પણ મારી પાસે અલ્લાહનો મોઝીઝો છે."
"અચ્છા?"
સરદારે આશ્ચર્ય પામતા પૂછ્યુ.
"અલ્લાહનો મોઝીઝો છે તારી પાસે?તો લે પહેલા અમારા જાદુને તોડી દેખાડ."
આમ કહીને પહેલા સરદારે પોતાના હાથની છડી જમીન ઉપર ફેંકી અને પછી પોતાની સાથે આવેલા બીજા જાદુગરોને પણ પોત પોતાની વસ્તુઓ જમીન ઉપર ફેંકવા કહ્યુ.તો એ તમામ જાદુગરોએ પોત પોતાની વસ્તુઓ જમીન ઉપર ફેંકી. કોઈએ રસ્સી કોઈએ છડી ફેંકી.એ વસ્તુઓ જમીન પર પડતા જ નાના મોટા સાપ બનીને મેદાનમા આમ તેમ દોડવા લાગ્યા.પણ મુસા કે હારુન જરા પણ ડર્યા નહિ.કારણકે એમને ખબર હતી કે આ તો ફક્ત એક જાદુ છે.
ત્યાર બાદ મુસાએ.
"બિસ્મિલ્લાહ"
કહીને પોતાની લાકડી જમીન ઉપર નાખી.અને એ લાકડીએ અજગરનુ રુપ ધારણ કર્યું.અને એ વિશાળકાય અજગરે મેદાનમા દોડાદોડી કરતા નાના મોટા સાપને એક પછી એક ગળવા લાગ્યો.જોતજોતામાં આખુ મેદાન ખાલી થઈ ગયુ.
જાદુગરો આશ્ચર્યથી આ જોઈ રહ્યા.એમને સમજાઈ ગયુ.કે આ કોઈ જાદુ ન હતુ.આ ખરેખર એક મોઝીઝો એટલે કે ચમત્કાર હતો.અને અલ્લાહની મરજી સિવાય કોઈ આવો મોઝીઝો કરી જ ના શકે એટલુ એ જાદુગરો સમજી ગયા હતા.
એ બધા જાદુગરો એક સાથે સજદામા ઝૂકી ગયા.અને બોલ્યા.
"એય મુસા અમે તારા અલ્લાહ ઉપર ઈમાન લાવીએ છીએ.તુ અને તારો પરવરદિગાર બન્ને સાચા છો."
અને આ જોઈને ફિરઓન ગુસ્સાથી લાલ પીળો થઈને બરાડી ઉઠ્યો.
"મારા હુકમ વગર તમે લોકો મૂસાના અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ્યા?હું તમારા હાથ પગ કપાવી નાખીશ.તમને બધાને શૂળી ઉપર ચડાવી દઈશ."
જવાબમાં જાદુગરોએ કહ્યુ.
"ફિરઓન.અમે હવે જાણી ગયા છે કે સત્ય શુ છે.અમને હવે મૃત્યુનો ખૌફ જ નથી રહ્યો."
"હું આની સખ્ત સજા કરીશ તમને લોકોને."
ફિરઓનના ગુસ્સાની કોઈ સીમા ન હતી
હઝરત મૂસાએ ફરી એકવાર ફિરઓન ને સમજાવવાનો પ્રયાસ કર્યો.
"ફિરઓન.હું તને ફરીથી કહુ છુ કે સાચા અને નેકીના માર્ગને અપનાવી લે.નહિંતર એવા એવા અઝાબ તારી તરફ આવશે કે તુ એનાથી છટકી નહિ શકે."