ઇસ્લામિક સ્ટોરી 9
દસ વર્ષની મુદ્દત પુરી થતા હઝરત મુસાએ હઝરત શોએબ પાસે મિસર પાછા જવાની ઈઝાઝત માંગી.
તો શોએબે કહ્યુ.
"તમને તો ત્યા મિસરમા ફિરઓનથી ખતરો છે ને?"
"હા બિલકુલ છે.પણ જે રીતે મને અહીં આવવાની અલ્લાહ તરફથી પહેલા પ્રેરણા થઈ હતી તેવી જ રીતે હવે ફરીથી મને પાછા મિસર જવાની પ્રેરણા મળી રહી છે.એટલે ડરવાનુ કોઈ કારણ નથી.કારણકે અલ્લાહ મારી અને મારા પરિવારની રક્ષા કરશે."
મુસાએ અલ્લાહ ઉપર વિશ્વાસ કાયમ રાખતા આત્મવિશ્વાસ પુર્વક કહ્યુ.
અને મુસાનો આત્મવિશ્વાસ જોઈને શોએબે મુસાને મિસર જવાની ઈઝાઝત આપી.
"અલ્લાહ ઉપરનુ તમારુ ઈમાન જોઈને હું તમને જવાની ઈઝાઝત આપુ છુ.જાવ અલ્લાહ તમને તેની પનાહમા રાખે."
શોએબની ઈઝાઝત મળતા હઝરત મુસા પોતાના પરિવારને લઈને મિસર તરફ જવા રવાના થયા.
મિસર તરફ જતા રાતના ઘનઘોર અંધારામા મુસાને લાગ્યુ કે શાયદ પોતે રસ્તો ભટકી ગયા છે.તેમણે એક પહાડ પાસે રાત વિતાવવાનુ નક્કી કર્યું. ઠંડી પણ લાગી રહી હતી.
મુસા પહાડ પાસે એક મોટા પથ્થરના આસરે પોતાની પત્ની અને બાળકો સાથે કંબલ પાથરીને બેઠા હતા.
ત્યાં તેમની નજર પહાડ ઉપર એક સળગતા વૃક્ષ ઉપર પડી.મુસાને એમની પત્નિને અને એમના બાળકોને જરા જરા ઠંડી પણ લાગતી હતી આથી મૂસાએ વિચાર્યુ કે પેલા સળગી રહેલા ઝાડમાંથી અગ્નિ લઈ આવુ જેથી તાપણુ કરી શકાય.
એમણે સફુરાને કહ્યુ.
"તમે આજુ બાજુમાંથી થોડીક સુકી અને પાતળી ડાળીઓ ભેગી કરો હું પેલા ઝાડમાંથી આગ લઈ આવુ છુ."
સફુરા ડાળી અને ડાળખાં ભેગા કરવા લાગી.
અને મુસા પેલા પહાડ પર જે ઝાડ સળગતુ એમણે જોયુ હતુ ત્યા આગ લેવા પહાડ ચડવા લાગ્યા.
મુસા કોહેતુર ઉપર ચડી ચુક્યા કે તરત એક અવાજ મુસાને સંભળાયો.
"ઓ મુસા હું તારો પરવરદિગાર છુ.અને જ્યા તુ આવ્યો છે એ એક પાક પવિત્ર જગ્યા છે માટે પહેલા તુ તારા પગરખા ઉતારી નાખ."
મુસાએ તરત પોતાને થયેલી આજ્ઞાનુ પાલન કર્યુ.પોતાના પગરખા એમણે ઉતારી નાખ્યા.
ફરી એકવાર.
પણ આ વખતે પ્રશ્નાર્થ ભર્યો અવાજ સંભાળ્યો.
"મુસા આ તારા હાથમા શુ છે?"
મુસાએ કહ્યુ.
"યા ખુદાવિંદ.આ મારી લાઠી છે.આનાથી હું મારી બકરીઓ ચરાવુ છુ.એમના માટે હું ઝાડ પરથી પાન પત્તા ખંખેરું છુ. કોઈ ચડાણ ચડવુ હોય તો આના ટેકે ટેકે ચડી જાવ છુ અને બીજા પણ ઘણા કામમા આ લાઠી આવે છે."
"આ અસા(લાઠી)ને જમીન ઉપર નાખ."
અલ્લાહે આજ્ઞા કરી.મુસાએ તરત આજ્ઞાનુ પાલન કર્યું. એમણે પોતાની લાઠી જમીન પર નાખી.એ લાઠી એક મોટો સાપ બની ગઈ.લાઠીમાંથી બનેલા સાપને જોઈને મુસા ગભરાઈ ગયા.અને એ પાછળ હટવા લાગ્યા.
મુસાને ગભરાયેલા જોઈને અલ્લાહે કહ્યુ.
"ડરો નહિ મુસા."
સાપ બનેલી લાઠી ફરી એકવાર લાઠી બની ગઈ.
"મુસા હવે તારો હાથ તારા પહેરણમા નાખીને તારી છાતી પર લગાવીને બાહર કાઢ."
મુસાએ અલ્લાહના હુકમ મુજબ કર્યુ.
પોતાનો હાથ પોતાના પહેરણમાં નાખીને છાતીએ લગાડ્યો અને પછી બાહર કાઢીને પોતાના હાથને જોયો તો એ હાથ રોશનીથી ઝગમગી રહ્યો હતો.
મુસા આશ્ચર્યથી પોતાના ઝગારા મારતા હાથને જોઈ રહ્યા હતા.
ફરી એકવાર પરવરદિગારનો સ્વર સંભળાયો.
"મુસા.તારા પરવરદિગાર તરફથી તને આ બે મોઝિજા આપવામાં આવે છે.હવે તુ ફિરઓન પાસે જા અને તેને સત્ય માર્ગ પર આવવાની નસીહત આપ અને બની ઇસરાઈલોને આઝાદ કરવાનુ કહે. હું તને મારો પયગમ્બર તરીકે નિમણૂક કરું છુ."
મુસાએ અલ્લાહનો આભાર માનતા અલ્લાહ પાસે આજીજી કરી.
"યા અલ્લાહ.હું તારો શુક્ર ગુઝાર છુ કે તે મને તારા કાર્યો કરવા માટે પસંદ કર્યો. પણ મારી યાચના છે કે તુ મને ગુઢ રહસ્યોનુ જ્ઞાન આપીને મારી છાતી પર વિટળાયેલા અજ્ઞાનના પરદાઓ હટાવી દે.મારી લડખડાતી જીભને સ્થિરતા આપ.અને તે જે કામ માટે મને પસંદ કર્યો છે એ કામમા મારા ભાઈ હારુનને મારો સહાયક બનાવ."
ફરીથી અલ્લાહનો સ્વર સંભળાયો.
"મેં તારી તમામ વિનંતી કબુલ કરી છે.હવે તુ કોઈ પણ ખોફ વગર ફિરઓન પાસે જા."