ગામના જે છોકરાઓને એમના વાલી મૂકી જતાં એમને મેં તો કહ્યું ન હતું કે તમે તમારા સંતાનોને મૂકી જાવ હું ભણાવા પણ એ મૂકી જ જતાં તો મારે ભણાવવું પડતું. પણ મેં એમને પછી થોડું મોડું મૂકવા આવવાનું કહ્યું કારણ કે હું શાળાએથી આવું પછી બધાને ચા નાસ્તો કરાવવાનો હોય. અને એ લોકો પણ માની ગયા હતા. મેં એમને કહ્યું હતું કે એક કલાક પછી લઈ જવા. આામ હું એમના સંતાનોને એક કલાક ભણાવતી. એ લોકો જાય પછી ભાખરી કરવાની હોય એ કરીને આપણે જમીને પરવારીએ પછી હું ભાણી સાથે દિકરા દિકરીને ભણાવતી. રોજ જ આ પ્રમાણે ચાલતું. આમ એક મહિનો થઈ ગયો. જે છોકરાઓ ભણવા આવતા એમના વાલીએ મને પૂછ્યું કે કેટલા પેસા આપવાના ? ત્યારે મને તો નવાઈ લાગી. એમણે કહ્યું કે અરે તમે ભણાવો છો એટલે પૈસા તો લેવા જ પડશે. મેં તમને વાત કરી કે આ લોકો પૈસા આપવાની વાત કરે છે હું શું જવાબ આપું ? ત્યારે તમે પણ ના પાડી હતી કે આની કંઈ જરૂર નથી કારણ કે તમને એમની આર્થિક પરિસ્થિતિ ઠીક જ એ ખબર હતી. છતાં તેઓ શહેરમાં ટ્યુશનના પૈસા હોય એ પ્રમાણે પૈસા આપી ગયા હતા. પણ બીજા દિવસે આપણે નક્કી કર્યુ હતું એમ એમાંથી આપણે અડધા જ પૈસા રાખ્યા હતા અને બીજા એમને પરત કર્યા હતા. પણ હવે થયું એવું કે ગામમાં બીજા ફળિયામાં જેમ જેમ ખબર પડી કે હું બીજા છોકરાઓને પણ ભણાવું છું તેમ તેમ બીજા ફળિયાના વાલીઓ પણ એમના છોકરાઓને આપણે ત્યાં ટયુશન મૂકવા આવવા માંડ્યા. તમે પણ જોયું કે ના પાડવા છતાં બધા મૂકી જવાની જીદ કરે છે એટલે તમે કહ્યું તું હા પાડી દે. બધું થઈ જશે. આમ, ઘરે ટ્યુશનના છોકરાઓ વધવા માંડ્યા. આપણે નક્કી કર્યું હતું કે ગામના છોકરાઓ પાસે ટ્યુશન ફી માગીશું નહીં અને જે આપે તેની પણ શહેર કરતાં અડધી જ ફી લઈશું. કારણ કે ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ કંઈ એટલી સારી ન હતી પણ દરેક છોકરાના વાલી જીદ કરીને ફી આપી જતા હતા. એટલે આપણી આવકમાં પણ વધારો થયો. ૧ થી ૧૦ ધોરણ સુધીના લગભગ ૩૦ જેટલા બાળકો ઘરે ટયુશન આવતા હતા. પહેલા હું એક કલાક ભણાવતી પણ હવે બધાને અલગ અલગ ભણાવવામાં લગભગ બે થી અઢી કલાક નીકળી જતા. જેથી કરીને હું સાડા આઠ સુધી પરવારતી જ ન હતી. એટલે મમ્મી હવે સાંજની ભાખરી પણ કરી દેતા જેથી ખાવામાં મોડું ન થાય અને પછી હું ભાણીને ભણાવી શકું. દિકરો ને દિકરી તો ટયુશન વાળા છોકરાઓ ભણવા આવે ત્યારે એમની સાથે બેસી જતા. આમ, મારે રાતે ભાણીને જ ભણાવવાનું રહેતું અને ત્યારે દિકરો અને દિકરી બહાર રમી લેતા. આખા દિવસનું સમયપત્રક એટલું વ્યસ હતું કે કંઈ બીજું વિચારવાનો ક્યારેય સમય જ ન મળતો. ઘરમાં આવક વધી હતી એટલે હવે એ પણ કંઈ ચિંતા ન હતી. ધીરે ધીરે આપણે આપણી જીંદગીની ગાડી પાટા પર લાવી દીધી હતી. આપણા સંતાનોના ખર્ચા, એની સાથે ભાણીનો પણ ખર્ચો અને એ ઉપરાંત સામાજિક ખર્ચા બધું જ બરાબર સચવાય ગયું હતું. આપણે બંને ખુશ હતા કે ભલે થોડો સમય વીત્યો બધું સરખું કરવામાં પણ આખરે આપણે કરી જ દીધું. બધું જ બરાબર ચાલતું હતું પણ એવામાં તમારી તબિયત થોડી બગડવા માંડી. દવા લેવા છતાં પણ તમને સારું થતું ન હતું એટલે આપણે મારી થાઇરોઇડની દવા ચાલતી હતી એ ડોક્ટરને બતાવવા ગયા. એણે અમુક રિપોર્ટ કરાવ્યા અને એના પરથી ખબર પડી કે તમારા શરીરમાં શુગર અને પ્રેશર બંને વધેલા હતા. ડોકટરે પહેલા તો કહ્યું કે પંદરેક દિવસ બિલકુલ આરામ કરો પછી જોઈએ દવા ચાલુ કરવી છે કે નહીં ? અને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની ના પાડી. મને ખબર હતી કે આટલી ઓછી ઉંમરમાં આ પ્રકારનો રોગ આવે એટલે કેટલું સાચવવું પડે. પણ આ વાત મમ્મીને સમજાવવી એટલી જ અઘરી હતી.