Bhool chhe ke Nahi ? - 104 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 104

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 104

તમારા રિપોર્ટ જોઈને પહેલા તો તમે પણ ગભરાઈ જ ગયા હતા. પણ તમને ડોકટરે સમજાવ્યું કે દવા અને ખાવા પીવામાં કાળજી રાખવામાં આવશે તો તમને કંઈ જ તકલીફ ન થશે. આ એવો સમય હતો જયારે આપણી બધી તકલીફો દૂર થઈને શાંતિથી આપણું જીવન ચાલી રહ્યું હતું. મારા પિયરમાં પણ કંઈ જ તકલીફ ન હતી. મારા ભાઈના લગ્ન થઈ ગયા હતા, પપ્પાએ બીજું ઘર લીધું હતું ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા અને પહેલા જયાં રહેતા હતા ત્યાં હવે ફક્ત કાકા અને એમનો પરિવાર રહેતા હતા. બધું જ સારું હતું. પણ અચાનક તમને આવેલી આ શુગર પ્રેશરની બિમારીએ આપણને થોડા હલાવી નાખ્યા હતા. એ સમયે અત્યારની જેમ સરળ ન હતું. તમારા જીવનશૈલી પર નિયંત્રણ લાવવું જરૂરી હતું. અને એ નિયંત્રણ મમ્મીને ગમતું ન હતું. રોજ ઘરમાં બોલ્યા કરતા કે આખો દિવસ નોકરી ધંધો કરે તો ખાવામાં ટોકવાનું નહીં. એ જે રીતે કરે એ જ કરવા દેવાનું. મેં તમને પણ કહ્યું કે આ રીતે ન ચાલે. અમુક નિયંત્રણ અને કસરત તો તમારે કરવા જ પડે. વળી બનતું એવું કે તમે બધું કરવા તૈયાર હોવ તો મમ્મી ના પાડી દેતા કે કંઈ કરવાનું નથી જેમ અત્યાર સુધી ચાલતું હતું એમ જ ચાલવા દેવાનું. ને તમે એમની વાત માની પણ લેતા. તમે ડોકટરની કોઈ પણ સલાહ માની ન હતી. બસ દવા લેતા અને બીજું પોતાની મરજીનું જ કરતા. હું તમને ટોકી ટોકીને થાકી ગઈ. પણ તમે મારું ન જ માનતા અને કહી દેતા કે હું આમ જ રહેવાનો છું થાય તે કરી લે. પછી મેં પણ છોડી દીધું. મારો સમય મારી શાળા, છોકરાઓને લાવવા લઈ જવા ભણાવવા અને ટયુશન કરાવવામાં પૂરો થઈ જતો. હવે, આર્થિક ટેન્શન જેવું કશું જ રહ્યું ન હતું. પણ એક દિવસ બનેવીનો ફોન આવ્યો કે એમને થોડા રૂપિયા જોઈએ છે. તમે એમને કહ્યું કે તમારી પાસે નથી તો એમણે કહ્યું કે મમ્મીને પૂછી જુઓ હું થોડા દિવસમાં આપી દઈશ. તમે એમને કહ્યું કે મમ્મી પાસે ક્યાંથી હોય ન જ હોય. પણ એમણે કહ્યું કે તમે પૂછીને પછી કહો. ને તમે મમ્મીને વાત કરી કે બનેવી પૈસા માગે છે. ને મમ્મીએ તરત જ કહી દીધું કે ખેતરના જે પૈસા છે એમાંથી આપી દે. મમ્મીએ કહ્યું એટલે તમે એમને પૈસા આપી દીધા. પણ થોડા દિવસ પછી ફરી એમણે પૈસા માગ્યા. આ વખતે પણ મમ્મીએ પૈસા અપાવી દીધા. આ બધી વાત તમે મારી આગળ જ કરતા કે જેથી હું તમને એમ ન કહી શકું કે મને કંઈ કહેતા નથી. પણ મેં એના માટે તમને ક્યારેય ના પાડી ન હતી. કારણ કે ખેતરના પૈસા આમ પણ આપણે વાપરતા ન હતા. મારા જે પૈસા આવે તે અને તમારો પગાર આવે એમાંથી આપણે ઘર ચલાવી લેતા હતા. પણ એક સમય એવો આવ્યો કે થોડા થોડા કરીને ખેતરના બધા જ પૈસા બનેવીને અપાઈ ગયા હતા અને છતાં હજી એ તમારી પાસે માગતા હતા. એટલે તમે મમ્મીને કહ્યું કે ખેતરના પૈસા પૂરા થયા છે હવે મારી પાસે બનેવીને આપવા માટે પૈસા નથી. તો એ દિવસે મમ્મી તમને ગમે તેમ બોલ્યા હતા કે એમને કંઈ તકલીફ હશે તો જ માગ્યા ને ? આપી તો દેશે જ ને ? કેમ નથી આપતો એમને પૈસા ? તમે ખૂબ જ શાંતિથી એમને સમજાવ્યું હતું કે અમે જે કમાઈએ છીએ એમાંથી ઘર જ ચાલી રહે છે. બચત થતી નથી. હું ક્યાંથી આપું ? વળી, એ સમયે ભાણી આપણી સાથે રહેતી હતી એટલે એને ખબર ન પડે એવી રીતે આ બધી ચર્ચા કરવી પડતી હતી પણ મમ્મી એ સમયે કંઈ જ સમજ્યા ન હતા. બસ બનેવીને પૈસા કેમ ન આપ્યા એમ કરીને રિસાઈ ગયા હતા. ઘરમાં કંઈ બોલે નહીં, છોકરાઓને બોલાવે નહીં બસ એક જગ્યા પટ બેસી રહેતા. આપણો દિકરો અને ભાણી તો મોટા હતા એ સમજી ગયા હતા કે કંઈક થયું છે કોઈએ પૂછ્યું ન હતું. બસ મમ્મીને મનાવવાના પ્રયત્નો કર્યા કરતા હતા.