મમ્મીએ જે બધી વાત કરી એમાંની થોડી તો પપ્પા જીવતા હતા અને મમ્મી બેનના ઘરે રહેવા ગયા હતા ત્યારે પપ્પાએ કરી હતી. પણ આટલું બધું મને ખબર ન હતી. તમે પણ ક્યારેય કહ્યું ન હતું. પણ હવે જ્યારે મને આ બધી ખબર પડી ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે હું ક્યારેય તમને બંનેને દુઃખ થાય એવું નહીં કરું. દિકરી ત્રણ મહિનાની થઈ ગઈ હતી અને મારે શાળાએ જવું પડે એમ હતું દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે. મેં તમને અને મમ્મીને વાત કરી કે મારે જવું પડશે. આખો દિવસ તો નહીં પણ બે ત્રણ કલાક તો જવું પડશે. મમ્મીએ કહ્યું કે તું તારે દિકરીને નવડાવીને સુવાડીને જજે આમ પણ એ સૂઈ જાય પછી ચાર પાંચ કલાક સુધી ઉઠતી નથી. શાળાના સંચાલકે તારી રજા હોવા છતાં પગાર ચાલુ રાખ્યો છે તો આટલું તો કરવું પડે. હું દિકરીને જોઈ લેવા. મમ્મીએ આવું કહ્યું એટલે મને શાંતિ થઈ ગઈ. હવે હું પહેલાની જેમ દિકરાને લઈને જતી પણ એ છૂટે એટલે એને લઈને સીધી ઘરે આવી જતી. આમ લગભગ ત્રણ કલાકનો સમય તો હું દસમા ધોરણના વિદ્યાર્થીઓને આપી શકતી હતી. આમ કરતા બે ત્રણ મહિના નીકળી ગયા. દિકરાની શાળામાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થવાની હતી. મારી શાળામાં પણ એ જ સમયે પરીક્ષાઓ હતી. પરીક્ષાઓ પતી ત્યાં સુધી હું શાળામાં ગઈ. પછી મેં શાળામાં વાત કરી લીધી હતી કે પેપર હું ઘરે બેસીને જ તપાસા અને રિઝલ્ટ બનાવવા માટે એક દિવસ આવી જવા. જેના માટે પણ શાળાના સંચાલકશ્રી માની ગયા હતા. આમ લગભગ બીજા ત્રણ મહિનાનું વેકેશન મને મળી ગયું. આ વખતે પણ દિકરાનું રિઝલ્ટ દર વખતની જેમ સારું જ હતું. એ જોઈને મમ્મીની પ્રતિક્રિયા પણ દર વખત જેવી જ હતી. પણ મેં એના પર વધારે ધ્યાન જ ન આપ્યું. મારે મારા મનમાં એમના પ્રત્યે કોઈ નકારાત્મક વિચાર આવવા જ દેવા ન હતા. બેન પણ વેકેશનમાં રહેવા આવ્યા હતા ને મેં એમની આવભગતમાં કોઈ કમી રહેવા દીધી ન હતી. હું ઈચ્છતી હતી કે ભલે અત્યાર સુધી મેં જે વિચાર્યું પણ હવે એ લોકોને ખુશ જ રાખવા છે. બેન ગયા ત્યારે પણ મમ્મીએ જેમ કહ્યું તેમ બેનને બધું જ આપ્યું હતું. હવે દિકરો પહેલા ધોરણમાં આવવાનો હતો. એની શાળાનો સમય હવે બપોરનો થવાનો હતો. મેં મારી શાળામાં પહેલેથી વાત કરી હતી કે દિકરાની શાળાનો સમય બપોરનો થાય ત્યારે એ શાળાનો સમય પણ બપોરનો કરી દેવો. અને એમ જ થયું. મારી શાળાનો સમય પણ બપોરનો થઈ ગયો. હવે દિકરીને આખો દિવસ મૂકીને જવું પડે એમ હતું. એટલે મેં એની દિનચર્યા માં થોડો ફેરફાર કર્યો. હવે, હું દિકરાને લઈને લગભગ અગિયાર વાગ્યે નીકળતી એટલે દિકરીને ત્યારે જ નવડાવીને સુવાડી દેતી જેથી લગભગ ત્રણેક વાગ્યા સુધી એ સૂઈ રહે. અને પછી ઉઠે તો પણ તમે નોકરીએથી આવી ગયા હોય એટલે મમ્મીને એની પાછળ વધારે રહેવું નહીં પડે. મારી શાળા પાંચ વાગ્યે છૂટે અને દિકરાની સાડા પાંચે એટલે હું મારી શાળાએથી એની શાળાએે જાઉં અને પછી એને લઈ ને સીધી બસ પકડીને ઘરે આવી જાઉં. મને ઘરે પહોંચતા લગભગ સવા છ થઈ જતા. મારે રસોઈ તો કરવાની હોતી નહીં બસ ભાખરી કરવાની હોય એ તો હું જમવા બેસવાના સમયે જ કરી દઉં. દિકરીને આખો દિવસ મમ્મીએ રાખવી પડતી હોય હું ઘરે આવું પછી એ મમ્મી પાસે બિલકુલ જતી ન હતી. અને એ મને ગમતું પણ હતું કારણ કે હું એમ વિચારતી કે મમ્મી ઘરના કામ કરે અને દિકરીને પણ આખો દિવસ રાખે તો સાંજે તો એમને થોડો આરામ મળી રહે.