મમ્મી લગ્ન કરીને આવ્યા ત્યારે કાકા સાથે બધા સંયુક્ત કુટુંબ તરીકે રહેતા હતા. પણ તમારા બા બાપા એટલે કે પપ્પાના પપ્પા અને પપ્પાના સાવકા મમ્મી શહેરમાં રહેતા હતા. પપ્પા ગામ કાકા સાથે રહેતા હતા. એટલે મમ્મી પણ લગ્ન કરીને ગામ આવ્યા. કાકા એ પપ્પાને ઘરના સભ્ય તરીકે નહીં પણ નોકરની જેમ રાખ્યા હતા એટલે મમ્મી પાસે પણ ઘરના કામવાળાની જેમ જ કામ કરાવતા. એ જમાનામાં તો કપડા વાસણ ધોવા માટે પણ તળાવે જવું પડતું. અને એ કામ મમ્મી એ કરવાનું હતું. એકલા હાથે. કાકી હતા, કાકી ની બે છોકરીઓ હતી પણ મમ્મીના કહેવા મુજબ મમ્મી ને કોઈ મદદ કરાવતું ન હતું. કાકી રસોઈ બનાવતા અને એમના પરિવાર માટે ભાખરી બનાવતા અને પછી મમ્મીને કહી દેતા કે હવે તું તમારા બે માટે રોટલાં બનાવી દે. આમ, મમ્મી આવ્યા ત્યારથી કાકા કાકીને ત્યાં કામવાળાની જેમ કામ જ કર્યું. તમારા પપ્પાના સગા ભાઈ હતા જે ડોક્ટર બનીને વિદેશ સ્થાયી થઈ ગયા હતા. એટલે એમને અહીં શું પરિસ્થિતિ છે એની ખબર જ ન પડે. બા બાપા શહેરમાં રહેતા એટલે મમ્મીએ દર રવિવારે એમના ઘરે જવું પડતું કંઈ સાફ સફાઈ કે લોટ દળાવવાનું કામ હોય તે કરવા માટે. એ ત્યાં જાય એટલે આખો દિવસ નીકળી જાય તો પણ ગામ આવીને કાકીએ કપડા વાસણ તો રહેવા જ દીધા હોય તે કરવાનું. મમ્મી ભણેલાં હતાં. બાપાની ઓળખાણથી એમને શાળામાં નોકરી મળતી હતી પણ કાકાએ કહ્યું કે એ નોકરીએ જશે તો ઘરના કામ કોણ કરશે ? એટલે કાકાએ બાપાને ના પાડી કે મમ્મીને નોકરી નથી અપાવવાની. મમ્મીના લગ્ન ના થોડા સમય પછી બાપાના પપ્પાની હયાતીમાં ઘર જમીનના ભાગ પડ્યા. એટલે પછી મમ્મી પપ્પાએ કાકા કાકીથી અલગ રહેવા માંડ્યુ બાપાના ભાગે જે ઘર આવ્યું હતું એમાં. પણ પપ્પા ભણેલા હતા નહીં અને કાકાએ એમની પાસે આખો દિવસ ખેતર ના કે પછી ઢોર ઢાંખરના કામ જ કરાવતા એટલે એ બીજું કંઈ કામ કરતા પણ ન હતા. અલગ થયા પછી ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન હતો. મમ્મીએ એમના ભાગે જે ઢોર આવ્યા તેનાથી ઘર ચલાવવાની કોશિશ કરી. પણ બધાથી અલગ થયા પછી પપ્પાએ કંઈ પણ કામ કરવાનું બંધ કરી દીધું. અને વ્યસનના રવાડે ચઢી ગયા. તમે અને બેન બંને નાના હતા. એટલે મમ્મી જાતે ઢોર માટે ચારો લેવા જતા અને ઘરના બીજા કામ પણ કરતાં. પણ આવક બીજી કોઈ હતી નહીં એટલે ગાય ભેંસના દૂધમાંથી જે પૈસા આવતા એમાં જ ઘર ચલાવવું પડતું હતું. ઘણીવાર એવું થતું કે એક ટાઈમ ભૂખા જ સૂઈ જવું પડતું. ગામમાં બીજી તો કોઈ આવક થાય નહીં પણ એક ડોક્ટર ગામ આવતા. ગામન કોઈ ભલા માણસે એમને આપણા ઘરમાં દવાખાનું ખોલવા કહ્યું જેથી મમ્મીને ભાડાની આવક મળી રહે અને વળી, મમ્મી ને કહ્યું એમના માટે બે સમયનું ભોજન બનાવીને જમાડજો એ પૈસા આપી દેશે. આમ, ઘરમાં બીજી એક આવક શરૂ થઈ. એ ડોકટર પપ્પાને એમની સાથે કમ્પાઉન્ડર તરીકે લઈ જતા જેનો પગાર પણ એ આપતા. આમ ધીરે ધીરે તમારી બધાની જીંદગી ચાલ્યા કરતી. વળી, મમ્મીએ કહ્યું હતું કે આમ તો તમે વગર ટ્યુશને જ ભણ્યા હતા પણ બારમા ધોરણમાં એક વિષય માટે તમારે ટયુશનની જરૂર હતી જેના માટે મમ્મીએ પોતાની એક સોનાની બુટ્ટી વેચી દીધી હતી. વળી, એમણે એમ પણ કહ્યું હતું કે ઘણી વાર એવું થતું કે તમે શાળાએથી આવતા ને તરત જ ગાળ ભેંસ માટે ચારો લેવા જવું પડતું હતું. આમ, મમ્મીની વાતો પરથી મને ખબર પડી કે તમે લોકોએ કેટલી વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. ત્યારે મને ખબર પડી કે તમે મને એમ કેમ કહ્યું હતું કે મમ્મી કહે તે જ કરવાનું અને એમની સામે બોલવાનું નહીં. કારણ કે તમે મમ્મીને કોઈપણ પ્રકારનું દુઃખ આપવા માગતા ન હતા. આ બધું સાંભળ્યા પછી મેં પણ નક્કી કર્યું કે હું ક્યારેય પણ મમ્મીની સામે બોલીશ નહીં અને જેમ બને તેમ એમને ખુશ રાખવાના પ્રયત્નો કરીશ.