ર્ડો. સુમન અને અનુરાધા બંને જમ્યા બાદ છુટા પડ્યા હતા. ર્ડો. સુમન એમના ઘરે ગયા અને અનુરાધા ICU રૂમની બહાર બાંકડા પર બેઠા હતા. તેઓ હવે એકલા પડ્યા હતા, આથી અનેક વિચારોને વશ થઈ રહ્યા હતા. આસ્થા માટે ઉદ્દભવતી લાગણી મનને બેચેન કરી રહી હતી અને ગિરિધર માટે તડપતું એનું હૈયું ખુબ વ્યાકુળ હતું. છતાં દરેક વ્યથાને એક તરફ રાખી પ્રભુ પ્રાર્થનામાં ખુદને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. થાક અને આખી રાતનાં ઉજાગરાના લીધે એમનું મન પ્રભુમાં એકચિત્ત થયું અને એમને સહેજ એક જોકું આવી ગયું.
"અરે અનુરાધા! તું લાલ સાડીમાં ખુબ સુંદર લાગે છે. મારી આંખ ફક્ત તારી પર જ સ્થિર થઈ જાય છે. તું જ કે.. હું મારુ મન કેમ કામમાં લગાડું?" પ્રેમથી એના બંને હાથ અનુરાધાની કમર પર વિટાળીને, એને પોતાની સમીપ ખેંચી આંખથી આંખ મેળવતા ગિરિધર બોલ્યો હતો.
"હવે તમારા પ્રેમમાં ભાગ પડાવનાર આવી રહ્યુ છે. મારી કોખમાં આપણા પ્રેમની નિશાની ફલિત થઈ રહી છે." પોતાની નજર નીચી કરી સહેજ શરમાતા અનુરાધાએ કહ્યું હતું.
"ઓહ! અનુ મારી અનુ... તે મને મારી જિંદગીના સૌથી મહત્વના સમાચાર આપી મને ખુબ જ ખુશ કરી દીધો છે. તારા દ્વારા મળતી આ ખુશી હું માણવા ખુબ આતુર છું. બોલ તારે શું જોઈએ છે?" પોતાની વધુ સમીપ એને ખેંચીને ગિરિધરે પૂછ્યું હતું.
"મારે અંબાજી માતાજીએ દર્શન કરવા જવું છે. બસ, એ સિવાય બધું જ છે મારી પાસે! મારે માતાજીને દર્શન કરીને આપણા આવનાર બાળકને માટે આશીર્વાદ માંગવા છે, જેથી આપણું બાળક એકદમ સુંદર અને સો માં પુછાય એવા વ્યક્તિત્વ વાળું બને!"
"સારું આપણે ત્યાંથી આબુ પણ જતા આવશું, આપણા ફાર્મહાઉસ પર ઘણા સમયથી ગયા નથી તો થોડો સમય ત્યાં પણ જતાં આવશું! અને તું એ બહાને થોડો સમય ત્યાં આરામ પણ કરી શકે ને!" એક હળવું ચુંબન એની બંને આંખ પર કરતા ગિરિધર બોલ્યો હતો.
અનુરાધાને સ્વપ્નમાં દેખાયેલ પોતાના ભૂતકાળના દ્રશ્યો એને સફાળા જગાડી ગયા. એનું મન અત્યંત આ સ્વપ્નથી બેચેન થઈ ઉઠ્યું. એમને તરત જ પોતાના રૂમાંલથી ચહેરા પર ઉઠેલા પરસેવાને લૂછ્યો હતો. તેઓ પાણી પીને પોતાને સાચવી રહ્યા હતા. ઘડિયાળમાં જોયું તો રાત્રીના પોણા બાર વાગી ચુક્યા હતા. આસ્થાને હોસ્પિટલે પહોંચાડી હતી એ ગઈકાલનો સમય એમની નજરે સ્થિર થયો! એ ICU રૂમમાં નજર કરવા ગયા હતા. આસ્થા એકદમ શાંત સૂતી હતી. બેઘડી એને મનભરીને જોઈ એ સિસ્ટરને કહીને નીચે હોલમાં ગયા હતા.
અનુરાધા સીધા જ હોલમાં જઈને ગણેશજીને નમન કરી મનમાં જ બોલ્યા, "હે પ્રભુ! વર્ષોબાદ મારા મુખે મેં કોઈને પોતનું સંતાન કેહવાની હિમ્મત કરી છે. મારી લાજ સાચવી લેજે પ્રભુ!" આટલી પ્રાર્થના કરી અને એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા હતા.
અનુરાધાને ચિંતિત જોઈને કલ્પ એની પાસે આવી બોલ્યો, "કેમ તમે રડી રહ્યા છો?"
"તું તો જાણે છે ને આ સમાજને! બસ, થોડા અવળા વિચાર મનમાં જન્મી રહ્યા હતા. આથી આસ્થાના લીધે હું ચિંતામાં સરી પડી હતી.
"અરે અનુરાધા! તમે કેમ આવા ખોટા વિચાર કરી રહ્યા છો? બધું જ ગણેશજી પર છોડી દો. એ બધું જ સાચવી લેશે! ગનુદાદા હંમેશા વિધ્નહર્તા રહ્યા છે. એના શરણે તમે ઉભા છો, એ તમારા દરેક વિઘ્ન દૂર કરશે!"
"તું તો મારા વિશે બધું જ જાણે છે ને! મારી ચિંતા શું ખોટી છે?"
"બસ, તમારે હવે કોઈ જ ખોટી વાત વિચારવી નથી. ચાલો, આપણે કોફી પીવા કેન્ટીનમાં જઈએ. કોઈ ઇમરજન્સી કેસ આવશે તો રામુ જોઈ લેશે!"
અનુરાધા અને કલ્પ બંને કેન્ટીનમાં કોફી પી રહ્યા હતા. અનુરાધા હજુ વિચારોમાં જ ખોવાયેલા હતા. એની તન્દ્રા તોડતા કલ્પ બોલ્યો,"ગિરિધરને મળવા ક્યારે જવાનું છે?"
"ર્ડો. મહેતાએ એક મહિના બાદ મળવા આવવાનું કહ્યું હતું. હજુ એક મહિનો પૂરો થયો નથી. મને જોઈને તેઓ ખુબ ઘરે આવવાની જીદ કરે છે. આથી હવે મહિને એક જ વાર મળવાનું ર્ડો. મહેતાએ કહ્યું હતું." થોડા ગમગીન અવાજે વધુ ખુલાસો કરતા અનુરાધા બોલી હતી.
"સમય બધું ઠીક કરશે. ગણેશજી તમારું બધું જ વિઘ્ન દૂર કરશે. જેટલો સમય ગયો એટલો હવે નહીં વિતાવવો પડે! બસ, તમે હિમ્મત હારતા નહીં!"
"તું અને ર્ડો સુમન છો જે મને હંમેશા હિમ્મત આપતા રહો છો. નહીતો ખરેખર હું પણ ક્યારેક થાકી જાઉં છું."
"સારું ચાલો, હવે મારે જવું પડશે! અમુક બિલ અને રેકોર્ડ બધા મારે રેડી કરવાના છે."
"હા, ચાલો હું પણ એજ કહેવાની હતી કે, હવે આપણે જઈએ."
આસ્થાની સારવાર ચાલુ થઈ તેના અડતાલીશ કલાક વીતી ચુક્યા હતા. ગંભીર હાલતમાં કોઈ સુધારો જણાતો નહોતો, પણ વધુ તકલીફ એ જણાઈ રહી હતી કે, એનું શરીર છેલ્લા ચોવીસ કલાકથી કોઈ જ પ્રતિભાવ આપતું નહોતું. એના તરફથી મળતાં અમુક રિએક્શન સાવ બંધ થઈ ગયા હતા. એમ કહો કે, એ દવાથી જ જીવતી હતી તો પણ કાંઈ જ ખોટું નથી. અને એની આ પરિસ્થિતિ ક્યાં સુધી રહે એ કઈ જ કહી શકાય એમ નહોતું.
ર્ડો. સુમને અનુરાધાને એમની કેબિનમાં બોલાવ્યા હતા. અનુરાધાને શાંતિથી એમને કહ્યું, "જો અનુરાધા! હું જે કહેવા જઈ રહી છું. એ માટે તમારે ખુબ હિંમત રાખવાની જરૂર છે. આસ્થા કોમામાં જતી રહી છે. એ ઠીક થઈ જશે પણ કેટલો સમય લાગે એ કહેવું મુશ્કેલ છે. એના બ્લડમાં ચહેરા પરની દાઝેલી ચામડીનું ઈન્ફેક્ટશન પણ ભળ્યું છે. આથી એના ચહેરાને તાત્કાલિક પ્લાસ્ટિક સર્જરી કરીને ઠીક કરવો પડશે! અને પ્લાસ્ટિક સર્જરી થયા બાદ એના ચહેરા પરના ડાઘ અને જે ચામડી ખરાબ થઈ ગઈ એ ઠીક થઈ જશે.. પણ.."
"પણ... શું? તમે આમ અધૂરી વાતે ન અટકો. હું આસ્થા માટે ખુબ ચિંતિત છું. મારી ચિંતા ખુબ વધી રહી છે તમે જલ્દી વાત રજુ કરો." એકદમ ચિંતાતુર થતા અનુરાધા બોલ્યા હતા.
"પણ.. એ એનો મૂળભૂત ચહેરો ખોઈ બેસસે! એનું ખરું ચહેરાનું અસ્તિત્વ હંમેશા માટે છીનવાઈ જશે! એની ચહેરાની ઓળખ પ્લાસ્ટિક સર્જરી બાદ કંઈક જુદી જ હશે! હા, ચહેરો જે ભયાવહ હતો એ અવશ્ય સુંદર થઈ જશે પણ એનો ખરો ચહેરો જ આપણી પાસે નથી તો એ જૂનો ચહેરો આસ્થા હંમેશા માટે ગુમાવી દેશે! આથી તમારી મંજૂરી લઈ રહી છું. અને જો પ્લાસ્ટિક સર્જરી ન કરીએ તો જે અમુક ટકા બ્લડમાં ઇન્ફેક્શન આવ્યું છે એનું પ્રમાણ જો વધી ગયું તો આસ્થા ખુબ જ મુસીબતમાં આવી જશે! એના જીવનું જોખમ વધી જશે!"
"હા, તમારી વાત સાચી છે. પણ એના ચહેરાની ઓળખ બદલાઈ જશે અને વળી, તમે કહ્યું એમ કદાચ એની યાદશક્તિ જતી રહી હશે તો આપણે એને એના પરિવાર સુધી કેમ પહોંચાડી શકશું?" પોતાના મનની ચિંતા રજુ કરતા દુઃખી હૃદયે અનુરાધા બોલી હતી.
"તમારી વાત અને ચિંતા બંને સાચા જ છે. પણ તાત્કાલિક પ્લાસ્ટિક સર્જરી ન કરી તો આસ્થા મૃત્યુની નજીક ઝડપથી પહોંચી જશે! તમે બધું જ કુદરત પર છોડીને એના માટે ફરી પ્રાર્થના કરો કે, આસ્થાની પ્લાસ્ટિક સર્જરી થઈ જાય અને એના ચામડીમાં થયેલી ઈન્ફેક્શન દૂર થાય! આ સિવાય કોઈ બીજો રસ્તો મને દેખાતો નથી જે આસ્થા માટે ઉચિત હોય!"
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻