ડૉ. સુમનને જોઈને અનુરાધાને રાહત થઈ કે, બાળકીની ચોક્કસ સ્થિતિ હવે જાણવા મળશે. ડૉ. સુમન અનુરાધાના ખંભાપર હાથ મૂકી આશ્વાશન આપતા ICU રૂમમાં બધા દર્દીઓને જોવા માટે ગયા હતા. અનુરાધાનું મન ખુબ વિચલિત હતું. વળી, અજાણતાં જ ભૂતકાળમાં થયેલ ડોકિયું એને વધુ દુઃખ આપી રહ્યું હતું, તેમ છતાં એ પોતાના મન પર અંકુશ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ડૉ. સુમન થોડીવાર પછી બહાર આવ્યા અને અનુરાધાના ચહેરા પરથી એની મનઃસ્થિતિ સમજીને બોલ્યા, "અનુરાધા તમે મારા ચેમ્બરમાં આવો આપણે ત્યાં શાંતિથી વાત કરીએ."
અનુરાધાએ એમની વાત સાંભળી અને તરત એમની સાથે ચેમ્બર તરફ વળ્યાં હતા. ત્યાં પહોંચીને ડૉ. સુમન બોલ્યા, "જો અનુરાધા! એ બાળકી ખરેખર ખુબ જ ગંભીર હાલતમાં છે. એને જે પણ સારવાર આપી એનું પરિણામ હજુ મળ્યું નથી. રિપોર્ટમાં કોઈ જ ફેર પડ્યો નથી. જેટલો દવાનો ડોઝ આપીએ છીએ એથી વધુ આપી શકાય એમ નથી, કેમકે એનું શરીર જ એ ખમી શકે એટલું સક્ષમ રહ્યું નથી. જો ડોઝ ઘટાડીયે તો એ ભાનમાં આવવાની પુરી શક્યતા છે પણ એના ચહેરા પર જે એસિડથી બળતરા થતી હશે એ ખુબ અસહ્ય હશે! વળી, ગેંગરેપનો ભોગ થઈ હોવાથી માનસિક સંતુલન તો એવું જ હોય કે, જીવવાની રુચિ જ એના મનમાં ન હોય! આ કારણોથી એની માનસિક અને શારીરિક વેદનાના લીધે બીપી ફરી ખુબ વધી જાય તો એને પક્ષાઘાતનો હુમલો આવી શકે અથવા હાર્ટ એટેક પણ આવે એવી શક્યતા પુરી મને દેખાય રહી છે. કારણકે એના ધબકારની ગતિ અત્યારે જ સામાન્ય નથી. અને અત્યારે જે ડોઝ એને આપવામાં આવે છે એ સતત બે દિવસ એને મળશે તો એનું શરીર કેવો પ્રતિભાવ આપે એ દરેક દર્દીએ હંમેશા જુદું જ હોય છે. આથી કહેવું મુશ્કેલ છે. તમને અહીં એટલે જ બોલાવ્યા છે કે, તમે જેમ કહેશો એમ અમે આગળ વધીએ. આ બાળકી કોણ છે? એનું અસ્તિત્વ શું છે? એ જાણવા માટે એને ભાનમાં લાવવી જરૂરી છે. પણ એ ભાનમાં આવ્યા બાદ અતિ નાજુક હાલતના લીધે એને તકલીફ થવાની શક્યતા વધુ છે. મેં તમને એની એકદમ સચોટ સ્થિતિ જણાવી છે. આ સ્થિતિની ચર્ચા એનું ઓપરેશન થયું ત્યારે હાજર બધા ડોક્ટર સાથે કરીને જ હું તમને જણાવી રહી છું." એકદમ શાંતિથી અને સહેજ દુઃખની લાગણી વ્યક્ત કરતા એમની વાતને વિરામ આપ્યો હતો.
અનુરાધા ખુબ જ મુંજવણમાં આવી ગયા, એને કઈ સમજાય રહ્યું નહોતું કે, એ શું નિર્ણય એમને કહે! એમના ચહેરા પર પરસેવાની બૂંદો છવાઈ ગઈ હતી. એમના હાથમાં રહેલ રૂમાલથી એ ચહેરાને લૂછતાં બોલ્યા, "મને શું નિર્ણય લેવો એ કઈ સમજાતું નથી. જો ભાનમાં લાવીએ તો એને વધુ તકલીફ થાય અને જો એ ભાનમાં ન આવે તો એનો પરિવાર ક્યાં છે? એ કોણ છે? એ જાણવું અશક્ય છે. એનો પરિવાર પણ એ ક્યાં છે એ ચિંતાથી કેટલો દુઃખી હશે! હું તો ખુબ દુવિધામાં છું. કઈ રસ્તો મળતો નથી." આંખમાં આંસુ સાથે અનુરાધા બોલી રહી હતી.
"લો.. આ પાણી પીવો. અને થોડીવાર શાંતિથી વિચારી લો! અત્યારે અમારા માટે તમે જ એનો પરિવાર અને તમે જ બધું છો. અમે હંમેશા તમારી પાસેથી હિમ્મત જ મેળવી છે. તમે હારી જશો તો કેમ ચાલશે? થોડીવાર પછી મને કહેજો."
"હા, હું તમને થોડીવાર વિચારીને જ કહું. અને બીજી એક ખાસ વાત મારે કહેવી હતી." પાણીનો આખો ગ્લાસ એક જ શ્વાસે પીને અનુરાધા બોલ્યા હતા.
"હા બોલો ને! શું કહેવું છે?"
"કાલ હું એટલી બધી ચિંતામાં હતી કે, હું એના ઓપરેશનની ફી અને એની ટ્રીટમેન્ટનો ખર્ચ પણ પૂછવાનું ભૂલી ગઈ હતી. તમે મને એ જણાવો એટલે હું કાઉન્ટર પર ફી જમા કરાવી દઉં."
"અરે અનુરાધા! કેવી વાત કરો છો? આ દસ વર્ષથી તમે નિ:સ્વાર્થ ભાવે સેવા અહીં આપો છો. દરેક દર્દીને તમારા પરિવારનું સદ્દશ્ય સમજીને એમના દર્દને દૂર કરવાના તમારાથી શક્ય એટલા પ્રયાસ કરો છો તો શું તમારી પાસેથી અમારામાં પણ એવી થોડી માનવતા ન આવે? આ બાળકીનો જે પણ સારવારનો ખર્ચ થશે એ બધો જ આ હોસ્પિટલ જ ચુકવશે! કેટલી દયનીય સ્થિતિમાં એ અહીં આવી હતી! ન કરે નારાયણ.. પણ ક્યારેક આવું આપણા પરિવારની દીકરી સાથે થાય તો? આ વિચાર માત્ર આખા શરીરમાં કંપારી લાવી દે છે."
"અરે ના ના... આપણી તો શું કોઈ દીકરીઓ સાથે આવી દુર્ઘટના ન જ થવી જોઈએ. આ બાળકી ભાનમાં આવે એટલી જ વાર છે. એને હું અવશ્ય ન્યાય અપાવીશ. ઓપેરેશન પહેલા તમે મને કહ્યું એમ મેં હજુ પોલીસને જાણ કરી નથી. મને પણ એજ ઉચિત લાગ્યું હતું." સહેજ વિવશતા અને અપાર દર્દ અનુરાધાના શબ્દોથી છલકતું હતું.
"હા. એ તમે યોગ્ય જ કર્યું. તમે થોડીવાર શાંતિથી વિચારીને મને કહો, કે અમે કેમ સારવારને આગળ વધારીએ."
ડૉ. સુમન અને આરાધના હજુ વાત કરી જ રહ્યા હતા ત્યારે જ એક સિસ્ટરે ઝડપથી એ બાળકી પાસે જવા ડોક્ટર સુમનને કહ્યું હતું.
ડૉ. સુમન તરત જ ICU રૂમમાં પહોંચી ગયા હતા. બાળકીના ધબકાર ખુબ ધીમા થઈ ગયા હતા. એને જરૂરી સારવાર બધી જ ચાલુ હતી છતાં આમ થયું હતું. આથી તેઓ પણ ગભરાઈ ગયા હતા. એમણે તુરંત બીજા ડોક્ટરને કોલ કરીને એ બાળકીની પરિસ્થિતિ જણાવી. એમની સાથે ચર્ચા કર્યા બાદ ર્ડો. સુમને એ બાળકીને એક ઇંજેક્શન સીધું જ એના હૃદય પર માર્યું હતું. જેવી ઈન્જેક્શનની અસર થઈ કે તરત એની પરિસ્થિતિ થોડી કન્ટ્રોલમાં આવી ગઈ હતી.
આ તરફ અનુરાધા ચિંતા અને વિચારોના બવંડરમાં ખુબ જ ખુંપી ગયા હતા. અંતે અનેક વિચારો બાદ એમણે એક નિર્ણય લીધો હતો.
ર્ડો. સુમન ICU રૂમની બહાર આવ્યા. અનુરાધા એમની રાહ જ જોઈ રહ્યા હતા. એમણે તરત પૂછ્યું, "શું થયું એને? એ ઠીક તો છે ને?"
"ના હજુ એ ખુબ જ નાજુક સ્થિતિમાં જ છે. એ આ અડતાલીશ કલાક પસાર કરી લે તો જીવી જશે.. નહીં તો...."
"ના.. ના.. એને કઈ જ નહીં થાય! તમે એને યોગ્ય સારવાર નિશ્ચિન્ત થઈ ને કરો. એ કોણ છે? એનું અસ્તિત્વ શું? એ જાણકારી લેવા મારે એને વધુ તકલીફમાં નથી જવા દેવી. એ જયારે પણ ભાનમાં આવે સ્વસ્થ હોવી જોઈએ! આજથી જ્યાં સુધી એનો પરિવાર આપણને ન મળે ત્યાં સુધી એ મારી દીકરી.. મારી જવાબદારી.. મારી 'આસ્થા' બનીને રહેશે!" આંખમાં ભીનાશ સાથે એમણે પોતાના મનની વાત રજુ કરી.
"અરે તમે તો.. એને નામ પણ આપી દીધું. 'આસ્થા' સરસ નામ છે."
"હા.. એ મારી આસ્થા જ ને! આ જીવન માતા બનવાના સુખથી હું વંચિત રહી છું. દરેક સ્ત્રીની જેમ મને પણ ઈચ્છા હતી કે, મારુ પણ એક સુંદર બાળક હોય! જે મને મા કહીને વળગી પડે! આ પ્રભુ પર મારી આસ્થા જ હતી ને કે, મારુ એક બાળક હશે! કદાચ એજ આસ્થા આજે આમ મારી સામે આવી રહી છે." આટલું બોલતા એમના ગળામાં સાચવી રાખેલ દર્દનું ડૂસકું હવે એમનાથી છૂટી ગયું હતું.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻