19. કો પાયલોટની કાયમી ઉડાન
હવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની રાતમાં દરિયા પર પ્રકાશ પડે એના સહારે ત્યાં એ અમે બનાવેલ જેટી સુધી પહોંચી ગયા અને થોડી જ વારમાં સીધો તેમના ઢોલનો અવાજ આવ્યો. તેમણે મશાલ જેવું સળગાવ્યું. એ જેટી ત્રાંસા રસ્તે અમારાથી નજીકમાં જ હતી.
ત્યાં થોડી જમીનની સીધી પટ્ટી દરિયા તરફ જતી હતી. કોઈ વહાણ જેવું આવે તો એને ઠીક રહે. મોટી સ્ટીમર હોય તો એણે તો દૂર જ ઊભી નાની લાઇફબોટ્સ માં અમને લેવા આવવું પડે.
છતાં અમે ભગવાન ભરોસે અહીં વસવાનું નક્કી કર્યું.
અમે એક ની પાછળ બીજું એમ અંધારામાં ચાંદનીને આધારે અને એ જગ્યાએ તેમણે પ્રગટાવેલ અગ્નિ તરફ ચાલતાં ચાલતાં જ ગયા અને એ જેટી નજીક સૂઈ ગયા. અહીંથી આદિવાસીઓ કદાચ જેની પાછળ તરફ રહેતા હતા એ ટેકરી દૂર હતી. અહીં જંગલ હતું પણ ખાસ ગાઢ ન હતું. જમીન પણ દરિયાઈ રેતીના બીચ જેવી હતી. જો કે અહીં સિમેન્ટ જેવા રંગનો એકદમ ગ્રે દરિયાઈ કાદવ એ ચાંચ જેવો જમીનનો ભાગ દરિયા તરફ જતો હતો ત્યાં છવાયેલો. મને અને એક ચીની મહાશયને ખબર હતી કે એમાં ક્યાંક એકદમ પોચી જમીન હોય તો પગ મૂકતાં જ દરિયાનાં પેટાળમાં જતા રહીએ. અમે લાકડી ઠોકતા એ તરફ જ્યાં સુધી જવું સલામત હોય ત્યાં સુધી જવા લાગ્યા.
આ અમારી નવી વસાહત! અમે અજાણ્યા ટાપુ પર ઘર બદલ્યું!
અહીં હું અને પેલાં શિક્ષિકા બહેન એકબીજાનો હાથ પકડી નજીકમાં ડૂબકી મારી કાંઠા નજીક દરિયાનાં પાણીમાં ઊગેલ એકદમ કડવી ખારી, ભાજી જેવી વનસ્પતિ તોડી લાવવા લાગ્યાં. પણ હવે રાંધવા માટે ફ્યુઅલ જોઈએ. થોડાં ટીપાં પણ જોઈએ. એ માટે અમારી જૂની જગ્યાએ જવું રહ્યું. દિવસે કોઈ આદિવાસી જોઈ જાય તો જોખમ એટલે રાત્રે જવાનું નક્કી કર્યું. કોઈ જાય તો ત્યાં ઊગી નીકળેલ બટાકા ડુંગળી જેવા છોડ પણ લઈ અવાય.
અમે ટેકરી તરફ નજર નાખતા ધીમેધીમે ચોરીછૂપીથી એ તરફ જઈ પાછા આવવા લાગ્યા..
અહીં આટલા એકાંતમાં આવેલ ટાપુ ટાપુ નિર્જન હોવો જોઈએ. કોણ જાણે ક્યાંથી આ વાંદરા જેવડા કદના અને એવા જ ચપળ આદિવાસીઓ વસતા હતા અને વિના કારણ અમને દુશ્મન સમજતા હતા. એમણે પોતાના સિવાય કોઈ પ્રાણી પણ જોયેલું નહીં એટલે.
એક રાત્રે અમારો કો પાઇલોટ એક કપડાં પર ફ્યુએલ છાંટી મશાલ સળગાવી જંગલમાં થઈ અમારી જૂની જગ્યા તરફ ગયો. એને ઓચિંતો ખ્યાલ આવ્યો કે તે ભૂલો પડી બીજી દિશાએ એક ટેકરી તરફ જતો હતો.
એ વળી આ જંગલીઓ ની વસ્તીથી થોડે દૂરની જગ્યા હતી, જેની આગળ કેળ જેવાં વૃક્ષોનું વન હતું. એ મેં આગળ કહ્યું છે.
એ ગયો તે ગયો. બે દિવસ સુધી એનો કોઈ જ પત્તો નહીં, ન મશાલનો અગ્નિ દેખાયો કે ન કોઈ અવાજ એ તરફથી આવ્યો.
એકલા એ તરફ જવામાં જોખમ હતું. એક દિવસે એ જોખમ લઈ વહેલી સવારે એ કો પાયલોટે જ બનાવેલી જંગલમાં રસ્તો કરવાની લાકડી લઈ હું અને પેલા હોંગકોંગના સૈનિક મહાશય ગયા.
થોડું જતાં જ એ જંગલી કેળાંનાં વન જેવી જગ્યા પાછળ એક ખીણ દેખાઈ. ટેકરી સામે હતી અને અહીં એની સામે ઊંડી ખીણ હતી. ત્યાં ખૂબ ગંધ આવતી જોઈ. અમે ઉપરથી જ જોયું તો કો પાયલોટની કહોવાઈ ગયેલી લાશ!
એ પડી જતાં કે પવનના ઝપાટાઓમાં મશાલ બુઝાઈ ગઈ અને આગળ ઊંડી ખીણ અંધારામાં ન દેખાતાં એ જગ્યાએથી કોઈ રીતે લપસી પડીને કે અંધારામાં ન દેખાતાં નીચે પડી મરી ગયો.
સામાન્ય જમીન પર તો ગીધો ક્યાંયથી પણ આવી જોતજોતામાં શબનો સફાયો કરી જાય. આવી ખીણમાં, આ ટાપુ પર એ પણ ન હતાં. ખીણમાં નીચે શબ પડેલું જોઈ અમને તેના મૃત્યુની ખબર પડી.
નીચે જવું કઇ રીતે?
ક્રમશ: