8. અડાબીડ જંગલમાં કાળરાત્રી
થોડીવારમાં એકદમ શાંતિ થઈ ગઈ. અમે ક્રુ મેમ્બરો આજુબાજુ જોઈ કોઈ હવે નથી એની ખાતરી કરી આગળ આવ્યા. અમારા હાથ ઊંચા કરી ઈમર્જન્સી ગેટ ખોલી પાંખ પર આગળ વધ્યા પણ હવે કોઈ દેખાયું નહીં. અમે હવે ઉતારુઓને નીચે ઉતરવા માટે ઈમર્જન્સી સહિત બધા ગેઇટ ખોલી નાખ્યા.
મેં નીચે જોયું. જમીન કઠણ તો હતી પણ ઘણી નીચે. હશે ઓછામાં ઓછા પચીસ ત્રીસ ફૂટ.
આટલે ઊંચેથી નીચે ઉતરવું કેમ? કૂદકો મારે એના પગ ભાંગી જ જાય. કોઈ સાજું સમું ઊતરી શકે એમ ન હતું. હવે મારા ઉતારુઓ માટે શું કરવું? અહીં કઈ સીડી મળવાની હતી?
વિમાનમાં નીચે મજબૂત દોરડાંઓ તો હતાં. અમે નક્કી કર્યું કે જે ઉતરી શકે એ પાંખ અથવા ગેઇટ પરથી દોરડાં બાંધી અને દોરડેથી સરકીને ઉતરે. જેમને ફાવે એટલા યુવાનો કે શક્તિશાળી ઉતારુઓ એમ ઉતર્યા, બાકીનાઓ માટે ભંડાકીયામાંથી સામાન નીચે ફેંકતા જઈ બેગોનો ટેકરો બનાવ્યો. બીજા તેના પર કૂદીને ઉતર્યા. ટેકરો એટલો તો ઊંચો હતો કે થોડું કૂદી એના પરથી લસરીને કે ટેકો દઈ, લટકતા થઈ પગ મુકી ઉતરી શકાય. હજુ ન ફાવે એ લોકોને મેં, કો પાઇલોટે અને એર હોસ્ટેસોએ મદદ કરી.
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”
હવે એ કડી હું જીવ્યો. મને આનંદ થયો, કોઈ મુકામ તો આવ્યો!
સહુ સલામત ઉતર્યા. પણ મને રંજ રહી ગયો કે આ મુકામ ઉતારુઓનો નિર્ધારિત મુકામ નથી. મારે હવે જીવવાની, સાબિત કરી બતાવવાની કડી
“વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઈ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું.”
અહીંથી ઉડીશ તો ગમે તેમ કરી સહુને ઘેર જરૂર પહોંચાડીશ. જો બીજી કડીઓ સાચી પડી તો આ પડશે જ. મને પૂરો વિશ્વાસ છે.
“નાનકડા હૈયામાં મારા હોંશ નથી કંઈ નાની.” મેં મને જ કહ્યું.
***
અમે આખરે એ ટાપુ પર ઉતર્યા. ત્યાં કોઈ મદદ આવે ત્યાં સુધી રહેવા અમે વિવિધ ટુકડીઓ બનાવી અને આસપાસથી જે કંઈ ખાવા મળ્યું એ એકઠું કર્યું. બે ત્રણ દિવસ માટેનો તો વિમાનમાં જ પુરવઠો હતો એનાથી એ ટંક તો ચલાવ્યું.
જોતજોતામાં રાત પડી અને ચારે તરફ ઘોર અંધારું થઇ ગયું. અમે ઝાડની ડાળીઓ એકઠી કરી આગ સળગાવી. લીલી ડાળીઓ માંડ સળગી. પથરાળ જમીન પર જ્યાં મળ્યું ત્યાં અમે સુતા. આખી રાત મચ્છરો અને ઝેરી જીવડાં અમને કરડતાં રહયાં. મેં તો ઉપરથી તારાના પ્રકાશમાં થોડો દરિયો દેખાતો હતો એ તરફ હિંમત કરી જઈને કાંઠાની દરિયાઈ માટી કે ભીની રેતીનો મારી ઉપર લેપ કર્યો. મારું જોઈ બીજાઓએ પણ એમ કર્યું. પછી દરિયા કાંઠાની લીસ્સી રેતી પર પડ્યો, તારાઓ જોતો હું વિચારી રહ્યો.
અમારી શોધ ચાલતી હશે? જરૂર ચાલતી તો હોવી જોઈએ. સવારની રાત પડી ગયેલી.
મેં મનોમન ગાયું “ક્યાં જાઉં રે વેરણ રાત મળી”. મેં આસપાસ જોયું. બધા જાગતા હતા. મેં લોકોને કોઈ ને કોઈ ગીત મોટે સાદે ગાવા કહ્યું. સારૂં એમ પણ તેઓ કઈંક હિંમતમાં રહેતા હોય તો. અને તો કોઈ કદાચ અવાજ સાંભળે. આ ઉતારુઓ તો મિશ્ર વસ્તીના હતા. ઘણાખરા તો ચીબા ચીનીઓ હતા. એમની ઊંચાઈ પણ ઓછી. સ્ત્રીઓ એકદમ લીસ્સી ત્વચા ધરાવતી, એકદમ ગોરી, સુંદર. તો કોઈ ઈન્ડોનેશિયા કે મલેશિયા તરફના સહેજ શ્યામ, સારું શરીર સૌષ્ઠવ ધરાવતા લોકો. કેટલાક આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહેલા બિઝનેસમેન પણ હોઈ શકે. તેઓ બીજા કરતાં ઘણા જુદા પડી આવતા હતા. આમ દરેક પ્રકારના ઉતારુઓ એકઠા થયા. સહુના મોં પર ચિંતા હતી- હવે અહીંથી ઉગરવુ કેમ?
દૂર કોઈ જહાજ પસાર થાય એની લાઈટો દેખાય તો બોલાવીએ. પણ આ કોઈ નિર્ધારિત દરિયાઈ માર્ગ ન હતો. હવાઈમાર્ગો પણ ચોક્કસ રૂટ પર જ હોય. અમે તો ભૂલા પડી કોઈ અજાણી જગ્યાએ ઉતરી ગયેલા. સાવ અંતરિયાળ કોઈ ટાપુ. ઇન્દિરા પોઇન્ટથી પણ નીચે ભારતનો ભાગ હશે? ઇન્ડોનેશિયાનો હશે? કે કોઈ સાવ અજાણ્યો ટાપુ? એનું વિશ્વના નકશા પર અસ્તિત્વ પણ હશે ખરું?
અંધારું તો કલ્પના બહારનું હતું. ઉપરથી એકદમ ભય પમાડતી શાંતિ અને પવનનો ઘૂઘવતો અવાજ.
***
ક્રમશ: