તમે એ કપડા મમ્મીને બતાવ્યા અને કહ્યું કે અલૂણા વખતે ભાણી માટે કપડા લેવાયા ન હતા એટલે રક્ષાબંધન પર આવશે ત્યારે આપી દઈશું. મમ્મી એ જોઈને ખુશ થઈ ગયા અને બોલ્યા કે સારું થયું કે ભાણી માટે કપડા લઈ આવ્યા આમ પણ અલુણા વખતે ન આપ્યા હતા તે એમને ખોટું લાગ્યું હતું. હું ત્યારે કંઈ બોલી તો નહીં પણ મારા મનમાં વિચાર તો આવ્યો જ હતો કે આવી કેવી રીતે એ લોકો ખોટું લગાડી શકે. જરા વિચાર તો કરે ને કે માણસ પાસે પૈસા ન હશે તો જ ન આપ્યું હોય નહીંતર થોડું આપે તો વધારે આપવામાં શું વાંધો આવે. એ સમયે મમ્મી એમ પણ ન બોલ્યા કે ભાણી માટે કપડા લાવ્યા તો આપણા દિકરા માટે પણ લઈ લેવા હતા. મારા ઘરે તો પપ્પા રક્ષાબંધન અને દિવાળી બંને તહેવાર વખતે કપડા લઈ આપતા હતા. અહીં આવીને તો જાણે હું નવા કપડા લેવાનું જ ભૂલી ગઈ હતી. આ વિશે વધારે વિચારવાનો કંઈ અર્થ ન હતો. કારણ કે આપણે બે મળીને જે કમાશું એમાંથી જ આપણે સંસાર ચલાવવાનો હતો. પણ હું વચ્ચે વચ્ચે પૈસા બચાવી લેતી જેમાંથી દિકરા માટે તો કપડા લઈ શકાય. અને મારા પપ્પા કરતા એમ દિકરા માટે તો હું નવા કપડા લઈ આવતી. રક્ષાબંધન નજીક આવતા મમ્મીએ કહી દીધું હતું કે બનેવી માટે સીતાફળનો મઠો લાવવાનો, બેન માટે બાસુદી બનાવવાની અને બેનના સસરા માટે માલપુડા બનાવવાના. અને ફરસાણમાં બટાકાવડા તો ખરા જ પણ તે ઉપરાંત પાતરા પણ કરવાના. મમ્મી એમ કહેતા કે બેનના દાદીસાસુને પાતરા ખૂબ ભાવે પણ બેન ને કંટાળો આવે બનાવવાનો એટલે એ ન બનાવે એટલે આપણે મોકલવાના. આ દર વખતનું હતું છતાં મમ્મી કહેતા જેથી આપણે કંઈ પણ માટે ના ન પાડીએ. મારા મનમાં પણ એવું ક્યારેય ન હતું કે આ બધું શું કામ ? હું દિલથી બધી તૈયારી કરતી. મમ્મી મને કોઈ દિવસ રસોઈ બનાવવા ન દેતા પણ બાસુદી અને માલપુડા મારે બનાવવા પડતા. આ વખતે પણ મમ્મીએ કહ્યું કે તું તારા ઘરે સવારે જઈ આવ બપોર સુધીમાં આવી રહેજે. પણ એ એમ ન વિચારે કે દિકરા સાથે હું કેવી રીતે બધાના ઘરે જઈને રાખડી બાંધીને આવું ? પણ મારે તો એ જ કરવું પડતું. જેમ તેમ દોડતા દોડતા જઈને પાછું આવી રહેવું પડતું. મને ઘરે એક વાગ્યા પહેલા આવી જવું એમ કહેતા પણ બેન તો દર વખતે સાંજે પાંચ વાગ્યા પછી જ આવતા અને હું ઘરે આવી જાઉં તો પણ મમ્મી મને રસોઈ તો કરવા જ ન દેતા. એ તો એ જાતે જ કરતાં. મને ખબર જ ન પડતી કે મારી પાસે ઉતાવળ કરાવીને ઘરે બોલાવીને એ શું સાબિત કરવા માગતા. તમે પણ આ વિશે કોઈ દિવસ કંઈ બોલતા જ નહીં. મને ખબર જ ન પડતી હતી કે તમે ફક્ત મમ્મી કહે એ જ કરતા પોતે કોઈ પણ વાત સાચી ખોટી કંઈ વિચારતા જ નહીં. બેન આવ્યા સાંજે જમીને બેઠા પછી મમ્મીએ એમને ભાણી માટે કપડા લીધા હતા એ આપ્યા. પણ બેન એમ ન બોલ્યા કે શું કામ લીધા ? ન લેતે તો ચાલતે. એ દિવસે મેં નક્કી કર્યું કે હવે કંઈ પણ થઇ જાય અલૂણામાં ભાણી માટે બધું જ આપી આપવાનું. એમણે એ ન જોયું કે પૈસાની તંગી હોવા છતાં કપડા સિવાય બધું જ આપ્યું હતું. પણ જે ન આપ્યું તેનું ખોટું લગાડ્યું. ને એવું ન હતું કે એ લોકોને આપણે ન આપીએ તો કંઈ ફરક પડે. મને દુખ એ વાતનું હતું કે પૈસે ટકે બધી રીતે સુખી હતા છતાં આપણી પરિસ્થિતિ ન સમજ્યા. એમ ન કહ્યું કે કંઈ વાંધો નહીં જ્યારે તમે તમારા જીવનમાં સ્થિર થાવ ત્યારે અપાવજો. અને એ દિવસે પણ બેનને બનાવેલી બધી જ રસોઈનું ટિફિન ભરી આપ્યું હતું એ પણ રાતે નવ વાગ્યે. બેનને ઘરે પહોંચતા દસ વાગે ત્યાર પછી એમને ત્યાં કોણ ખાય ? પણ તો મમ્મી એમ કહે કે કાલે તારા કામવાળાને આપી દેજે કે મારા પિયરથી તમારા માટે મોકલાવ્યું હતું. આ એમનું કયું ગણિત હતું કે ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ વસ્તુ બનાવવાની અને કામવાળા માટે પણ મોકલવાનું. પણ મારાથી એ સમયે પણ કશું જ બોલાયું ન હતું. ને તમને તો આ બધું સામાન્ય હોય એમ જ લાગતું.